ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ ધર્મ દર્શન યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન
ટૉપ ન્યૂઝ
હોમ / મારું શહેર / બનાસકાંઠા

અંબાજી,બનાસકાંઠા ખાતે '૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ'નું ભવ્ય સમાપન: લાખો શ્રદ્ધાળુઓએ લીધો દર્શન-પ્રસાદનો લાભ

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ આદ્ય શક્તિપીઠ અંબાજીના ગબ્બર ખાતે તા. ૩૦-૦૧-૨૦૨૬ થી તા. ૦૧-૦૨-૨૦૨૬ (મહા સુદ બારસ, તેરસ અને ચૌદસ) દરમિયાન '૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૬'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. 

આ ત્રિ-દિવસીય મહોત્સવમાં દેશ-વિદેશમાં સ્થાપિત ૫૧ શક્તિપીઠોના આબેહૂબ દર્શનનો લાહવો લેવા માટે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સમગ્ર ગબ્બર વિસ્તાર 'જય અંબે'ના નાદ સાથે ગુંજી ઉઠ્યો હતો અને ભક્તિમય વાતાવરણમાં પરિક્રમા પથ ભક્તોથી ઉભરાયો હતો.

બનાસકાંઠા કલેક્ટર અને મંદિર ટ્રસ્ટના અધ્યક્ષશ્રી મિહિર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા યાત્રિકોની સુખ-સુવિધા માટે વ્યાપક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી. ખાસ કરીને શ્રદ્ધાળુઓને પરિક્રમા દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે તે માટે અંબિકા ભોજનાલય, આર.ટી.ઓ. સર્કલ, જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ અને કોલેજ રોડ જેવા મુખ્ય કેન્દ્રો પર વિશાળ ડોમ બનાવી નિશુલ્ક ભોજનની સુચારુ વ્યવસ્થા ઉભી કરાઈ હતી. લાખો શ્રદ્ધાળુઓએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. તંત્ર દ્વારા સ્વચ્છતા, પીવાના પાણી અને આરોગ્યની સેવાઓ પણ સ્થળ પર જ ઉપલબ્ધ કરાવાઈ હતી. 

ગામડાઓ અને અંતરિયાળ વિસ્તારોમાંથી આવતા ભક્તો માટે તંત્ર દ્વારા ખાસ નિશુલ્ક બસ સેવાનું આયોજન કરાયું હતું. આ સુવિધાનો લાભ લેતા ડીસા તાલુકાના ઝાબડિયા ગામના માયાબેને પોતાનો અનુભવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમે સમગ્ર ગ્રામજનો સાથે મા અંબાના શરણે આવ્યા હતા. સરકારી બસની મફત સેવાથી અમારો પ્રવાસ ખૂબ જ સરળ રહ્યો છે. અહીં જમવા સહિતની ઉત્તમ સગવડ જોઈને અમને ઘણો આનંદ થયો છે. તંત્રની વ્યવસ્થાને કારણે અમે કોઈપણ અડચણ વગર તમામ ૫૧ શક્તિપીઠના દર્શન કરી ધન્યતા અનુભવી છે. વહીવટી તંત્રની આ કાર્યક્ષમતાને શ્રદ્ધાળુઓએ ખુલ્લા મનથી બિરદાવી હતી.

ડીસાના પ્રકાશકુમાર ઠક્કરે જણાવ્યું કે, અમારા ૬૩ યાત્રિકોના મંડળે નિશુલ્ક પરિવહન અને ભોજન સેવાનો લાભ લીધો છે. યાત્રિકોની વિશાળ ભીડ હોવા છતાં વહીવટી તંત્રનું સંચાલન એટલું સચોટ હતું કે ક્યાંય અવ્યવસ્થા જોવા મળી નહોતી. ધાર્મિક આસ્થા અને વહીવટી કુશળતાના સમન્વયથી આ ૨૦૨૬નો પરિક્રમા મહોત્સવ યાદગાર બન્યો હતો. લાખો શ્રદ્ધાળુઓએ મનોકામના પૂર્ણ કરવાની આશા સાથે ૫૧ શક્તિપીઠની પરિક્રમા પૂર્ણ કરી આશીર્વાદ મેળવ્યા હતા.

 

 

Administrator
News Creator
based in dsf
Followers
1
Total News Views
6,725