કલોલ તાલુકામાં તલાટી કમ મંત્રી મંડળ અને તાલુકા પંચાયત પરિવાર દ્વારા વિદાય અને સત્કાર સમારંભ યોજાયો

છત્રાલ ખાતે હોટલમાં યોજાયેલા સમારંભમાં અધિકારીઓ, તલાટી, સરપંચો અને આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા

કલોલ, ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં તલાટી કમ મંત્રી મંડળ અને તાલુકા પંચાયત પરિવાર દ્વારા વિદાય અને સત્કાર સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.છત્રાલ સ્થિત હોટલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના અધિકારીઓ, કર્મચારીઓ, તલાટી કમ મંત્રી શ્રીઓ, સરપંચો તેમજ ગ્રામ પંચાયતના સ્ટાફે મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને ગૌરવપૂર્ણ બનાવ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન કલોલ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા શ્રી કલ્પેશસિંહ એસ. ચાવડા સાહેબની કડી તાલુકા પંચાયતમાં બદલી થતા તેમના સન્માન સાથે વિદાય આપવામાં આવી હતી. સાથે જ નાયબ તાલુકા વિકાસ અધિકારી શ્રી ગોવિંદભાઈ મંગળભાઈ ડામોર સાહેબની વયનિવૃત્તિ નિમિત્તે ભાવભીની વિદાય આપવામાં આવી હતી. આ ઉપરાંત, તાજેતરમાં કલોલ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી તરીકે નિયુક્ત થયેલા શ્રી મૌલિકભાઈ શર્મા સાહેબનો સત્કાર પણ કરવામાં આવ્યો હતો.

સમારંભમાં કલોલ તાલુકાના વિવિધ ગામોના તલાટી કમ મંત્રી શ્રીઓ, સરપંચો તથા ગ્રામ પંચાયત સ્ટાફે ઉપસ્થિત રહી વિદાય લઈ રહેલા અધિકારીઓના કાર્યકાળની પ્રશંસા કરી હતી. કાર્યક્રમ દરમિયાન અધિકારીઓના સેવાકીય યોગદાન, વહીવટી કુશળતા અને ગ્રામ વિકાસ ક્ષેત્રે કરેલી કામગીરીને યાદ કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

આ પ્રસંગે કલોલ તાલુકાના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર, તાલુકા ભાજપ પ્રમુખ ભાર્ગવભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય રશ્મિભાઈ ઠાકોર, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કાંતિજી ઠાકોર, વિમલભાઈ પ્રજાપતિ સહિત ખાત્રજ, સનાવડ, કારોલી અને અન્ય ગામોના સરપંચો તથા આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન કલોલ તાલુકા તલાટી મંડળ અને તાલુકા પંચાયત પરિવાર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. અંતમાં તાલુકા પંચાયત સ્ટાફ અને નાસ્મેદ ગામના તલાટી કમ મંત્રી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

વિદાય પ્રસંગે શ્રી કલ્પેશસિંહ એસ. ચાવડાએ તેમને અપાયેલ સન્માન બદલ તમામ તલાટી મિત્રો, તાલુકા પંચાયત સ્ટાફ, સરપંચો અને આગેવાનોનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કલોલ તાલુકામાં સેવા આપવાનો સમય તેમની કારકિર્દીનો યાદગાર સમય રહ્યો છે.
આ કાર્યક્રમ દ્વારા કર્મઠ અને સમર્પિત અધિકારીઓના યોગદાનને બિરદાવવા સાથે તેમના ભાવિ જીવન અને કાર્ય માટે શુભેચ્છાઓ પાઠવવાનો ભાવનાત્મક પ્રયાસ કરવામાં આવ્યો હતો.
લક્ષ ન્યુઝ - સંજય નાયક