આગામી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન કરાવવા માટે કલોલ શહેર પોલીસે વ્યાપક સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે ફ્લેગ માર્ચ (રૂટ માર્ચ) યોજી હતી. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ અસામાજિક તત્વોમાં કાયદાનો ભય ઉભો થાય તે હેતુથી યોજાયેલી આ રૂટ માર્ચમાં પોલીસ અધિકારીઓ અને જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા

.
રૂટ માર્ચની શરૂઆત કલોલના સત્યનારાયણ મંદિર ખાતેથી કરવામાં આવી હતી. આ પ્રસંગે સત્યનારાયણ મંદિરના મહંત રામ મનોહર દાસજી મહારાજે કલોલ શહેર પોલીસ ઇન્સ્પેક્ટર એચ. એન. પટેલને સાલ ઓઢાડી શુભેચ્છા અને આશીર્વાદ આપ્યા હતા. ત્યારબાદ પી.આઈ. એચ. એન. પટેલ તથા પીએસઆઈ સહિતના પોલીસ અધિકારીઓએ ભગવાન જગન્નાથજીના દર્શન કરી શહેરમાં શાંતિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
.jpeg)
ત્યાર બાદ પોલીસનું ફ્લેગ માર્ચ સત્યનારાયણ મંદિરેથી પ્રસ્થાન કરી ખૂની બંગલા ચાર રસ્તા, નવજીવન રોડ, રેલ્વે સ્ટેશન, સ્ટેશન રોડ સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ટાવર ચોકી ખાતે પૂર્ણ થયું હતું. સમગ્ર રૂટ દરમિયાન પોલીસ જવાનો સતર્કતા સાથે પેટ્રોલિંગ કરતા જોવા મળ્યા હતા, જેના કારણે શહેરમાં સુરક્ષાનો માહોલ સર્જાયો હતો.
.jpeg)
કલોલ શહેર પોલીસે જણાવ્યું હતું કે રથયાત્રા દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેમજ શ્રદ્ધાળુઓ નિર્ભયતાથી રથયાત્રામાં ભાગ લઈ શકે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. શહેરના સંવેદનશીલ વિસ્તારો પર ખાસ નજર રાખવામાં આવશે અને સતત પેટ્રોલિંગ પણ કરવામાં આવશે.

પોલીસ દ્વારા શહેરના નાગરિકોને પણ અફવા પર વિશ્વાસ ન રાખવા, સોશિયલ મીડિયામાં ભ્રામક માહિતી પ્રસારિત ન કરવા તેમજ કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવાની અપીલ કરવામાં આવી હતી.

લક્ષ ન્યૂઝ – સંજય નાયક