ખુલ્લી પાણીની ટાંકી બની અબોલ જીવો માટે મોતનો ફંદો! આખલાનો જીવ બચ્યો, હવે તંત્ર જાગશે કે પછી બીજી દુર્ઘટનાની રાહ જોશે?
નવી ભીલડી, :
નવી ભીલડીના સોયલા–ભીલડી રોડ પર બનાસ મોલની બાજુમાં જાહેર માર્ગની બાજુએ આવેલી ખુલ્લી અને ઢાંકણ વિહોણી પાણીની ટાંકી ગંભીર બેદરકારીનું જીવંત ઉદાહરણ બની છે. છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા સતત વરસાદ વચ્ચે રાત્રિના સમયે એક વિશાળ આખલો આ ખુલ્લી ટાંકીમાં પડી ગયો હતો. આખલો કદમાં મોટો હોવાથી તેણે મોં ઊંચું રાખી માત્ર નાક પાણીની બહાર રાખીને શ્વાસ લેવાનો પ્રયાસ કરતાં કલાકો સુધી જીવન અને મરણ વચ્ચે સંઘર્ષ કર્યો હતો.
સવારે સ્થાનિક લોકોએ આખલાને ટાંકીમાં ફસાયેલો જોતા ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સોયલા ગામના સેવાભાવી યુવાન રમેશભાઈ છગનભાઈ જોષીએ તરત જ જેસીબી મશીન માટે સંપર્ક કર્યો હતો. જાણ થતાં જ જેસીબી ચાલક પણ વિલંબ કર્યા વિના સ્થળ પર પહોંચી ગયો હતો. સ્થાનિકોના સહયોગથી જેસીબીની મદદ વડે આખલાને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. નોંધનીય બાબત એ છે કે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં જેસીબી ચાલકે બચાવ કામગીરી બદલ કોઈપણ પ્રકારનો ખર્ચ લેવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.
આ ઘટનાએ અનેક ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. જાહેર માર્ગની બાજુમાં સુરક્ષાના કોઈપણ માપદંડ વિના ખુલ્લી પાણીની ટાંકી કોણે બનાવી? આવી જોખમી ટાંકીને ઢાંકવાની જવાબદારી કોની? વારંવાર અબોલ પશુઓ તેમજ અન્ય જીવજંતુઓ આવી ખુલ્લી ટાંકીઓ અને ગટરોમાં પડીને જીવ ગુમાવે છે, છતાં જવાબદાર તંત્ર કેમ આંખ આડા કાન કરી રહ્યું છે?
સ્થાનિકોના જણાવ્યા મુજબ આ અંગે ગ્રામ પંચાયતના તલાટીને અગાઉ પણ જાણ કરવામાં આવી હતી, પરંતુ કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નહોતી. પરિણામે આજે ફરી એક નિર્દોષ અબોલ જીવનો જીવ જોખમમાં મુકાયો હતો.
સ્થાનિકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ ફેલાયો છે. લોકોનું કહેવું છે કે જો સમયસર બચાવ કામગીરી હાથ ધરવામાં આવી ન હોત તો આખલાનું મોત નિશ્ચિત હતું. હવે જાહેર માર્ગો પર આવેલી ખુલ્લી ટાંકીઓ અને ગટરોને તાત્કાલિક ધોરણે સુરક્ષિત બનાવવામાં આવે, ગેરકાયદેસર રીતે બનાવાયેલી જોખમી ટાંકીઓ દૂર કરવામાં આવે અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે.
હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું તંત્ર હવે જાગશે કે પછી બીજી કોઈ દુર્ઘટનાની રાહ જોશે? શું અબોલ પશુઓના જીવની કોઈ કિંમત નથી? સ્થાનિકોની આ વાજબી માંગને જવાબદાર તંત્ર ક્યારે ગંભીરતાથી લઈને કાયમી ઉકેલ લાવશે તે જોવું રહ્યું.