નવી ભીલડીમાં વરસાદી પાણીથી જનજીવન અસ્તવ્યસ્ત: સર્વિસ રોડ પર ઢીંચણસમા પાણી ભરાતા વાહનચાલકો પરેશાન
હાઈવેની ગટરો ઉભરાતા બંને બાજુ વરસાદી અને ગટરનું પાણી ભરાયું, સ્થાનિકોમાં ભારે રોષ
ભીલડી, :
ભીલડી પંથકમાં છેલ્લા પાંચ દિવસથી સતત વરસી રહેલા વરસાદને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. સોમવારે પણ વરસાદની હેલી યથાવત રહેતાં નવી ભીલડીના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
ખાસ કરીને નવી ભીલડી તેમજ ભીલડી–ડીસા સર્વિસ રોડ પર સ્થિતિ વધુ ગંભીર બની છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા રોડની બંને બાજુ બનાવવામાં આવેલી ગટરોની સમયસર સફાઈ અને પ્રિ-મોન્સૂન કામગીરી ન કરવામાં આવતાં ગટરો ઉભરાઈ ગઈ છે. પરિણામે સર્વિસ રોડની બંને બાજુ ઢીંચણસમા વરસાદી અને ગટરનું પાણી ભરાઈ ગયું છે.
પાણી ભરાવાને કારણે વાહનોની અવરજવર ધીમી પડી ગઈ છે, જ્યારે દ્વિચક્રી સહિત નાના વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક લોકોને દુર્ગંધ મારતા ગટરમિશ્રિત પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે, જેના કારણે ચેપી રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પણ વ્યક્ત થઈ રહી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ વરસાદી પાણી અને ગટરના પાણીના યોગ્ય નિકાલ માટે કોઈ અસરકારક વ્યવસ્થા ન હોવાથી દર વર્ષે આવી સ્થિતિ સર્જાય છે. વારંવાર રજૂઆતો છતાં કાયમી ઉકેલ ન આવતાં લોકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિક રહેવાસીઓએ નેશનલ હાઈવે ઓથોરિટી અને ગ્રામ પંચાયતને તાત્કાલિક ગટરોની સફાઈ કરી વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાની તેમજ ભવિષ્યમાં આવી સમસ્યા ફરી ન સર્જાય તે માટે કાયમી આયોજન હાથ ધરવાની માંગ કરી છે.