કલોલ
કલોલ શહેરની 18મી જગન્નાથજી રથયાત્રામાં હિન્દુ-મુસ્લિમ એકતાનું અનોખું ઉદાહરણ

કલોલ તાલુકાના ખાત્રજ ગામ ખાતે આવેલી ગંગોત્રી હોટલના કાલુભાઈ દ્વારા સેવા કેમ્પ, મુસ્લિમ સમાજના આગેવાનો પણ જોડાયા; હજારો ભાવિકોને ઠંડા પીણા, આઈસ્ક્રીમ અને કેળાનો પ્રસાદ વિતરણ

ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં ભગવાન જગન્નાથજીની 18મી ભવ્ય રથયાત્રા દરમિયાન ધાર્મિક આસ્થા સાથે સામાજિક સમરસતા અને કોમી એકતાનું અનોખું દૃશ્ય જોવા મળ્યું. કલોલ તાલુકાના ખાત્રજ ખાતે આવેલી ગંગોત્રી હોટલના સંચાલક કાલુભાઈ દ્વારા ટાવર ચોક ખાતે વિશાળ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો એકસાથે જોડાઈને ભાવિકોની સેવા કરી સમાજને ભાઈચારો અને એકતાનો સુંદર સંદેશ આપ્યો.
રથયાત્રામાં જોડાયેલા હજારો શ્રદ્ધાળુઓ માટે ઠંડા પીણા, આઈસ્ક્રીમ તેમજ કેળાના પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભારે ગરમી વચ્ચે સેવા કેમ્પ ભાવિકો માટે આશીર્વાદરૂપ બન્યો હતો. સેવાભાવથી કાર્યરત સ્વયંસેવકો દ્વારા દરેક ભાવિકનું હર્ષોલ્લાસથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી પુંજાજી ઠાકોર, ભાજપ સંગઠનના હોદ્દેદારો, હિન્દુ તથા મુસ્લિમ સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. રથયાત્રા દરમિયાન સત્યનારાયણ મંદિરના મહંત શ્રી રામ મનોહરદાસજી મહારાજનું ગંગોત્રી હોટલના માલિક કાલુભાઈ દ્વારા પુષ્પહાર પહેરાવી અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભગવાન જગન્નાથજીને પણ પુષ્પહાર અર્પણ કરી આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા.
ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથજીની રથયાત્રા માત્ર ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ સમાજમાં પ્રેમ, એકતા, સહિષ્ણુતા અને પરસ્પર સહયોગનો સંદેશ આપતો મહાપર્વ છે. સેવા કેમ્પમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો એકસાથે સેવા કાર્યમાં જોડાતા કોમી એકતાનું પ્રેરણાદાયી દૃશ્ય સર્જાયું હતું, જેને સ્થાનિક લોકોએ ખૂબ વખાણ્યું હતું.

સમગ્ર રથયાત્રા દરમિયાન કલોલ પોલીસ દ્વારા ચુસ્ત અને સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શહેરના મુખ્ય માર્ગો પર પોલીસ, એસઆરપી, ટ્રાફિક પોલીસ અને હોમગાર્ડના જવાનો તૈનાત રહી સમગ્ર યાત્રા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે સતત દેખરેખ રાખી હતી.

આ સેવા કેમ્પે માત્ર હજારો ભાવિકોની સેવા જ નહીં, પરંતુ સામાજિક સમરસતા, ભાઈચારો અને હિન્દુ-મુસ્લિમ એકતાનો જીવંત સંદેશ આપી કલોલ શહેરની 18મી રથયાત્રાને વધુ યાદગાર બનાવી હતી.
.jpeg)
લક્ષ ન્યૂઝ – સંજય નાયક