કહેવાય છે કે ‘મન હોય તો માળવે જવાય’, આ ઉક્તિને બોટાદની સામાન્ય પરિવારની દિકરી અવની સુરેશભાઈ ચાવડાએ સાર્થક કરી બતાવી છે. બીસીસીઆઈ (BCCI) દ્વારા યોજાનાર અંડર-19 એનસીએ (NCA) કેમ્પ માટે અખિલ ભારતીય મહિલા પસંદગી સમિતિ દ્વારા અવનીની પસંદગી કરાઈ છે.
માત્ર 16 વર્ષની વયે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA) ની અંડર-15, 17, 19, 23 અને સિનિયર ટીમમાં સ્થાન મેળવનાર પ્રથમ ખેલાડી અવની ચાવડા આગામી 27 એપ્રિલથી બેંગ્લોર ખાતે શરૂ થતા સ્પેશિયલ કેમ્પમાં ભાગ લેશે.ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડી વી.વી.એસ. લક્ષ્મણના નેજા હેઠળ કોચિંગ મેળવશે.VVS લક્ષ્મણ જેવા દિગ્ગજ ખેલાડીઓના નિરીક્ષણ હેઠળ આ દીકરી પોતાની સ્કીલ્સને વધુ મજબૂત બનાવશે. NCA કેમ્પ એ ભારતીય રાષ્ટ્રીય ટીમમાં પહોંચવા માટેનું પ્રથમ અને સૌથી મહત્વનું પગથિયું ગણાય છે."દીકરીઓ જ્યારે મેદાનમાં ઉતરે છે, ત્યારે માત્ર રમત નથી રમતી,પણ હજારો સપનાઓને પાંખો આપે છે."
ઓપરેશન વગર પથરી કાઢવાના સાત વર્લ્ડ રેકોર્ડ ધરાવનાર બોટાદના ખ્યાતનામ ડો.જીગ્નેશ હડિયલ,ધંધુકા સતવારા સમાજના ટ્રસ્ટી બાબુભાઈ સાંકળિયા, યોગીરાજ વિદ્યામંદિરના ટ્રસ્ટી કાંતિભાઈ કણજરીયા,ધંધુકા સમાજ આગેવાન હરિઓમભાઈ દ્વારા અવની ચાવડા ભવિષ્યમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં રમીને દેશનું અને સમસ્ત સતવારા સમાજનું નામ વિશ્વસ્તરે રોશન કરે તેવી અઢળક શુભેચ્છાઓ સાથે ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા.
રિપોર્ટર અજય પરમાર રાણપુર