ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ ધર્મ દર્શન યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન
ટૉપ ન્યૂઝ
હોમ / મારું શહેર / બનાસકાંઠા

દાંતીવાડાના લાખણાસણ ગામે પશુપાલકો માટે વૈજ્ઞાનિક પશુપાલન અને એન્ટીબાયોટિક જાગૃતિ પરિસંવાદ યોજાયો

દાંતીવાડાના લાખણાસણ ગામે પશુપાલકો માટે વૈજ્ઞાનિક પશુપાલન અને એન્ટીબાયોટિક જાગૃતિ પરિસંવાદ યોજાયો

કામધેનુ યુનિવર્સિટી દ્વારા 'ડોરસ્ટેપ માસ્ટાઇટિસ પ્રિવેન્શન' અંગે પશુપાલકોને ઘરઆંગણે નિદર્શન અને માર્ગદર્શન

પશુઓમાં એન્ટીબાયોટિકનો અંધાધૂંધ ઉપયોગ જોખમી: સરદારકૃષિનગર વેટરનરી કોલેજના નિષ્ણાતોએ પશુપાલકોને કર્યા જાગૃત

સરદારકૃષિનગર સ્થિત પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સિટી દ્વારા પશુપાલકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવાના ઉમદા હેતુથી દાંતીવાડા તાલુકાના લાખણાસણ ગામે એક વિશેષ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાવિદ્યાલયના ફાર્માકોલોજી અને ટોક્સિકોલોજી વિભાગ તથા વેટરનરી માઇક્રોબાયોલોજી વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં ૫૦થી વધુ પશુપાલકોએ ઉત્સાહભેર ભાગ લઈ પશુપાલન ક્ષેત્રે નવીનતમ માહિતી મેળવી હતી.

આ પરિસંવાદનો મુખ્ય ઉદ્દેશ્ય પશુઓમાં એન્ટીબાયોટિક દવાઓના વધુ પડતા અને અનિયંત્રિત ઉપયોગથી ઉદ્ભવતી 'એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ' જેવી ગંભીર સમસ્યાઓ અને તેની આડઅસરો વિશે જાગૃતિ લાવવાનો હતો. વિષય નિષ્ણાતોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, દવાઓનો બિનજરૂરી ઉપયોગ પશુઓના સ્વાસ્થ્યની સાથે માનવ આરોગ્ય માટે પણ ખતરારૂપ છે. રોગોની સારવાર કરવા કરતાં પશુઓની યોગ્ય માવજત, સ્વચ્છતા અને વૈજ્ઞાનિક વ્યવસ્થાપન દ્વારા રોગોને અટકાવવા તે વધુ હિતાવહ અને આર્થિક રીતે ફાયદાકારક છે.

પરિસંવાદ દરમિયાન આયોજિત ગોષ્ઠીમાં પશુપાલકોએ પોતાની મૂંઝવણો રજૂ કરી હતી, જેનું નિષ્ણાતોએ સરળ શૈલીમાં સમાધાન કર્યું હતું. ખાસ કરીને પશુઓમાં આર્થિક નુકસાન કરતા 'ગળિયા' (માસ્ટાઇટિસ) રોગ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. નિષ્ણાતો દ્વારા આ રોગના લક્ષણો, સમયસર નિદાન અને સારવાર અંગે પાયાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, દૂધ દોહન સમયે રાખવાની સ્વચ્છતા અને દોહન બાદ બાવલાની સફાઈનું પ્રાયોગિક નિદર્શન આપી ‘ડોરસ્ટેપ માસ્ટાઇટિસ પ્રિવેન્શન’ની પદ્ધતિ સમજાવવામાં આવી હતી.

આ પ્રસંગે વિષય નિષ્ણાત તરીકે ડો. જે. એચ. પટેલ, ડો. સી. એમ. મોદી અને ડો. એચ. એ. પટેલે ઉપસ્થિત રહી પશુપાલકોને પશુ આહાર, દૈનિક સંભાળ અને જવાબદારીપૂર્ણ દવાઓના ઉપયોગ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

 

Administrator
News Creator
based in dsf
Followers
1
Total News Views
3,076