
રાણપુર ખાતે આઈ શ્રી મોગલ ધામ દ્વારા તૃતીય સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયો
સબ
બોટાદ જિલ્લાના રાણપુર શહેર ખાતે આઈ શ્રી મોગલ ધામ રાણપુર દ્વારા તૃતીય સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે યોજાયો હતો. આ સમૂહ લગ્નોત્સવનું આયોજન મોગલ ધામ રાણપુરના ભુવા શ્રી કલ્પેશભાઈ દિલીપભાઈ ઘાઘરેટીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
આ પવિત્ર પ્રસંગે કુલ 10 નવદંપતીઓએ વૈદિક વિધિ અનુસાર પ્રભુતામાં પગલાં માંડી નવા જીવનની શરૂઆત કરી હતી. સમગ્ર કાર્યક્રમ ધાર્મિક અને આધ્યાત્મિક માહોલ વચ્ચે સંપન્ન થયો હતો.
કાર્યક્રમમાં સાધુ-સંતો અને મહંતોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. જેમાં શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર મહંતશ્રી પતિત પાવન દાસજી ત્યાગી (મોટા રામજી મંદિર, નાગનેશ ધામ), શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી લલિત કિશોર શરણજી મહારાજ (મોટા મંદિર, લીમડી), શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી નિર્મળદાસજી બાપુ (ગંગા મૈયા આશ્રમ, કાપડીયાળી), પરમ પૂજ્ય બાપુ શ્રી મોગલ કુળ ચારણ ઋષિબાપુ (મોગલ ધામ, કબરાઉ) તેમજ રાણપુર હનુમાનપુરી ધામના શાસ્ત્રી શ્રી ઋતુ બાપુ ભટ્ટ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા.
આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો, આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમૂહ લગ્ન દ્વારા સમાજમાં એકતા, સહકાર અને સામાજિક સમરસતાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.
રિપોર્ટર અજય પરમાર રાણપુર