બોટાદ જિલ્લાના રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા ડબલ ફેટલ હિટ એન્ડ રન અકસ્માત કેસને રાણપુર પોલીસ ટીમે નોંધપાત્ર ઝડપ અને કુશળતા સાથે ઉકેલી નાખ્યો છે. આ અનડીટેક્ટ કેસમાં અજાણ્યા વાહનચાલકે પાટણા ગામ નજીક ચાલતા બે નિર્દોષ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો હતો.
આ ગંભીર ગુનાને ઝડપથી ઉકેલવા માટે ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર અસારી સાહેબ દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. જેના અનુસંધાને બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા દ્વારા તમામ અધિકારીઓને તાત્કાલિક કામગીરી માટે આદેશ આપવામાં આવ્યા હતા.
વિભાગીય પોલીસ અધિકારી મહર્ષિ રાવલના માર્ગદર્શન હેઠળ રાણપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એ. પટેલના નેતૃત્વમાં ટીમે સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ તપાસના આધારે આરોપીની ઓળખ કરી. સતત પ્રયત્નો બાદ ગણતરીના દિવસોમાં જ આરોપીને પકડી પાડવામાં સફળતા મળી.
આ કેસમાં આરોપી તરીકે ધર્મેન્દ્રસિંહ દેવુભા રાણા (ઉંમર 36 વર્ષ, વ્યવસાય ડ્રાઇવર, રહે. નાગનેશ, તાલુકો રાણપુર)ની ધરપકડ કરવામાં આવી છે. તે ટ્રક ટ્રેલર (રજી. નં. GJ 39 TA 3162) ચલાવતો હતો. આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 106(1), 281, 125(ક), 125(ખ) તેમજ એમવી એક્ટની કલમ 177, 181 અને 134 હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સફળ કામગીરીમાં રાણપુર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ઝાલાભાઈ વશરામભાઈ ગામારા અને લગદીરસિંહ અજીતસિંહ ચુડાસમા સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
રાણપુર પોલીસની આ ઝડપી અને અસરકારક કામગીરીને લઈને સ્થાનિકોમાં પ્રશંસા વ્યકત થઈ રહી છે, અને પોલીસે ફરી એકવાર પોતાની કાર્યક્ષમતાનો પરિચય આપ્યો છે.
રિપોર્ટર અજય પરમાર રાણપુર