ડીસા-દાંતીવાડા હાઈવે પર હનુમાન મંદિર નજીક એક ટ્રકની ટક્કરથી વૃદ્ધ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો, જે અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, ડીસા તાલુકાના વાસડા ગામના ભરતકુમાર હીરાજી સોલંકી તેમના પિતા હીરાજી શમેળાજી સોલંકી સાથે 14 માર્ચના રોજ રાણપુર આથમણાવાસ ખાતે સંબંધીઓના લગ્ન પ્રસંગે ગયા હતા.
લગ્ન પ્રસંગ પૂર્ણ થયા બાદ બપોરે લગભગ 2:20 વાગ્યે તેઓ પોતાની નેનો કાર (નં. GJ 24 K 7159) લઈને વાસડા તરફ પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ડીસા-દાંતીવાડા હાઈવે પર કમલદીપ અને આશીર્વાદ કોલ્ડ સ્ટોરેજ વચ્ચે હનુમાન મંદિર પાસે પહોંચતા દાંતીવાડા તરફથી આવતી ટ્રક (નં. GJ 09 Z 7111)ના ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે કારના ડ્રાઈવર સાઈડના દરવાજે જોરદાર ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં કારમાં પાછળ બેઠેલા હીરાજી સોલંકીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને તેઓ બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. વધુ સારવાર માટે તેમને ડીસાની હોસ્પિટલ અને ત્યારબાદ પ્રગતિ ન્યુરો સ્પાઈન હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. ડોકટરોના જણાવ્યા મુજબ, તેમને માથામાં હેમરેજ થવાથી મગજમાં ગંભીર ઈજા થઈ છે અને લકવાની અસર પણ જોવા મળી છે. આ ઘટના અંગે ભરતકુમાર સોલંકીએ ટ્રક ચાલક વિરુદ્ધ ડીસા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
એહવાલ વિક્રમસિંહ રાઠોડ ભીલડી