


રાણપુર ખાતે ભાલનલકાઠા ખાદી ગ્રામ ઉદ્યોગમાં ઈફતાર પાર્ટીનું આયોજન, હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ
બોટાદ જિલ્લાના રાણપુર શહેર ખાતે આવેલ ભાલનલકાઠા ખાદી ગ્રામ ઉદ્યોગમાં આજે પવિત્ર રમજાન માસના અવસરે ઈફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાદી ગ્રામ ઉદ્યોગના ચેરમેન ગોવિંદસિંહના સ્વર્ગસ્થ પુત્ર જયદિપસિંહના જન્મદિવસ નિમિત્તે આ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે હિન્દુ અને મુસ્લિમ ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રોજા રાખનાર મુસ્લિમ ભાઈઓને ફ્રૂટ અને સાદી બિરયાનીથી રોજા ખોલાવવામાં આવ્યા હતા. ઉપસ્થિત સૌએ સાથે મળીને ઈફતાર પાર્ટીની ઉજવણી કરી અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી.
કાર્યક્રમ દરમિયાન હિન્દુ-મુસ્લિમ ભાઈચારું અને સામાજિક સૌહાર્દનું સુંદર દૃશ્ય જોવા મળ્યું હતું. આ પ્રસંગે સૌએ મળીને એકતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો, જે સમાજ માટે ઉત્તમ ઉદાહરણ સમાન છે.
રિપોર્ટર અજય પરમાર રાણપુર