*ગાંધીનગર કલેક્ટર મેહુલ કે. દવેની નવા ધરમપુર ખાતે આકસ્મિક મુલાકાત*

*પંચાયત દફતરની તપાસણી સાથે પ્રાથમિક શાળામાં બાળકોની જ્ઞાન ચકાસણી કરી*
.....
*શિક્ષણ એ માત્ર અક્ષરજ્ઞાન નથી, પરંતુ બાળકના સર્વાંગી વિકાસનો પાયો છે. જ્યારે વહીવટી તંત્ર અને શિક્ષણ જગત સાથે મળીને કાર્ય કરે છે, ત્યારે જ છેવાડાના બાળક સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચી શકે છે."-કલેક્ટર, ગાંધીનગર*

*કલેક્ટરશ્રીનો ક્લાસ, શિક્ષક બની શિક્ષણનું સ્તર ચકાસ્યું: મેહુલ કે. દવેએ શાળામાં બાળકો સાથે પ્રાર્થના ગાઈ અને ઘડિયા-પલાખા પૂછ્ય*

*"શાળામાં બાળકો સાથે વિતાવેલી ક્ષણો હંમેશા ઊર્જાસભર હોય છે. બાળકો પાયાનું ગણિત અને ભાષાકીય જ્ઞાન સચોટ રીતે મેળવે તે માટે પાયાના સ્તરે સતત મોનિટરિંગ અને પ્રોત્સાહન જરૂરી છે. નવા ધરમપુરના બાળકોનો ઉત્સાહ જોઈને આનંદ થયો."-કલેક્ટરશ્રી,ગાંધીનગર*
*શિક્ષકોએ માત્ર અભ્યાસક્રમ પૂરો કરવાને બદલે બાળકોમાં જિજ્ઞાસા અને સમજણ શક્તિ વધે તેવા પ્રયાસો સતત કરવા જોઈએ- કલેકટર શ્રી મેહુલ કે. દવે*

ગાંધીનગર જિલ્લા કલેક્ટર શ્રી મેહુલ કે. દવે દ્વારા વહીવટી પારદર્શિતા અને શૈક્ષણિક ગુણવત્તાના નિરીક્ષણ હેતુસર, ગાંધીનગર તાલુકાના નવા ધરમપુર ગામની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ગ્રામ પંચાયતના દફતરોની ઝીણવટભરી તપાસણી કરવાની સાથે સ્થાનિક પ્રાથમિક શાળાના બાળકો સાથે સમય વિતાવી તેમની શૈક્ષણિક ક્ષમતા ચકાસી હતી.
નવા ધરમપુર પ્રાથમિક શાળાની મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ એક અલગ જ અંદાજમાં બાળકો સાથે સુમેળ સાધ્યો હતો. તેમણે બાળકો સાથે મળીને પ્રાર્થના ગાઈ હતી, જેનાથી શાળાનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ત્યારબાદ, તેમણે વર્ગખંડમાં જઈને બાળકોને ઘડિયા અને પલાખા પૂછી તેમની ગણિત અને સામાન્ય જ્ઞાનની ચકાસણી કરી હતી. બાળકોના શિક્ષણનું સ્તર જળવાઈ રહે તે હેતુથી તેમણે વર્ગશિક્ષકોને જરૂરી માર્ગદર્શન આપી જ્યાં સુધારાની અવકાશ જણાય ત્યાં યોગ્ય સૂચનો પણ કર્યા હતા.
શાળાની મુલાકાત પૂર્વે કલેક્ટરશ્રીએ ગ્રામ પંચાયત કચેરીની પણ મુલાકાત લીધી હતી. પંચાયત દ્વારા નિભાવવામાં આવતા વિવિધ સરકારી દફતરો, ગ્રામજનોની અરજીઓનો નિકાલ અને વિકાસલક્ષી કાર્યોની સમીક્ષા કરી હતી. વહીવટી પ્રક્રિયા વધુ ઝડપી અને લોકાભિમુખ બને તે માટે તેમણે સ્થાનિક તંત્રને સુતરનો કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, કલેક્ટર શ્રી મેહુલ કે. દવે જિલ્લાના બાળકોના શિક્ષણ પ્રત્યે વિશેષ સંવેદના ધરાવે છે. તેઓ સમયાંતરે શાળાઓની રૂબરૂ મુલાકાત લઈને બાળકોને નવું શીખવા માટે પ્રોત્સાહિત કરતા રહે છે. તેમની આ સક્રિયતાને કારણે જિલ્લાના શૈક્ષણિક સ્તરમાં હકારાત્મક પરિવર્તન જોવા મળી રહ્યું છે.
આ પ્રસંગે કલેક્ટર શ્રી મેહુલ કે. દવેએ જણાવ્યું હતું કે, "બાળકોમાં પાયાનું શિક્ષણ મજબૂત બને તે માટે રૂબરૂ મુલાકાતો અને માર્ગદર્શન ખૂબ અનિવાર્ય છે. શિક્ષકો અને તંત્રના સંયુક્ત પ્રયાસોથી જ આપણે શિક્ષણમાં પરિવર્તન લાવી શકીશું.શિક્ષકોએ પણ માત્ર અભ્યાસક્રમ પૂરો કરવાને બદલે બાળકોમાં જિજ્ઞાસા અને સમજણ શક્તિ વધે તેવા પ્રયાસો સતત કરવા જોઈએ.વધુમાં તેમણે ઉમેર્યું હતું કે,શાળામાં બાળકો સાથે વિતાવેલી ક્ષણો હંમેશા ઊર્જાસભર હોય છે. બાળકો પાયાનું ગણિત અને ભાષાકીય જ્ઞાન સચોટ રીતે મેળવે તે માટે પાયાના સ્તરે સતત મોનિટરિંગ અને પ્રોત્સાહન જરૂરી છે. નવા ધરમપુરના બાળકોનો ઉત્સાહ જોઈને આનંદ થયો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
આ આકસ્મિક મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીની સાથે ગાંધીનગરના મામલતદાર શ્રી મહેશ ગોહિલ તથા તાલુકા વિકાસ અધિકારી શ્રી મલય ભુવા પણ જોડાયા હતા અને પંચાયત તથા શાળાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.