આર્યન ભગતનું 'રજવાડી ઠાઠ'થી ભવ્ય સન્માન

સામતભાઈ જેબલિયાએ આર્યન ભગતને રજવાડી કેસરીયો સાફો પહેરાવી અને તલવાર અર્પણ કરી અદકેરું સ્વાગત કર્યું.
• સામા પક્ષે આર્યન ભગતે કષ્ટભંજન દેવની છબી અર્પણ કરી સામતભાઈને આશીર્વાદ પાઠવ્યા.
બોટાદ પંથકની બહુમુખી પ્રતિભા ધરાવતા અને અનેક સામાજિક, ધાર્મિક તથા રાજકીય સંસ્થાઓ સાથે જોડાયેલા જાણીતા ગૌરક્ષક શ્રી સામતભાઈ જેબલિયાના નિવાસસ્થાને તાજેતરમાં બાળ હનુમાન ઉપાસક શ્રી આર્યન ભગતની વિશેષ પધરામણી થઈ હતી. આ પ્રસંગે સામતભાઈ જેબલિયા દ્વારા આર્યન ભગતનું રાજવી પરંપરા મુજબ ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની વિગતો મુજબ, ગૌરક્ષક સામતભાઈ જેબલિયાએ શ્રી આર્યન ભગતને મસ્તક પર રજવાડી કેસરીયો સાફો બાંધી, તેના પર કલંગી લગાવી અને શક્તિ રૂપેણ રજવાડી તલવાર અર્પણ કરી 'રજવાડી ઠાઠ'થી વિશેષ સન્માન કર્યું હતું.
આ સન્માનના પ્રત્યુત્તરમાં શ્રી આર્યન ભગતે પણ સામતભાઈને સાળંગપુરના શ્રી કષ્ટભંજન દેવનો ફોટો અર્પણ કરી સન્માન સાથે આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે આર્યન ભગતે જણાવ્યું હતું કે, "સામતભાઈ જેબલિયા એક નિષ્ઠાવાન ગૌરક્ષક છે અને હાલમાં તેમને ગૌરક્ષા પ્રમુખ તરીકેનું પદ પણ મળ્યું છે, ત્યારે તેઓ સમાજ અને ગૌમાતા માટે ખૂબ જ ઉત્તમ કાર્ય કરી રહ્યા છે." વધુમાં તેમણે ગોપીનાથજી મહારાજ અને કષ્ટભંજન દેવના ચરણોમાં પ્રાર્થના કરી હતી કે ભગવાન સામતભાઈના હાથે આવા જ સેવાના કાર્યો કરાવતા રહે અને તેઓ જીવનમાં ખૂબ પ્રગતિ કરે.