બોટાદ જિલ્લાના રાણપુર ખાતે ઓમ શાંતિ બ્રહ્મકુમારીજ સંસ્થા દ્વારા મહાશિવરાત્રીના પાવન પર્વની ભવ્ય અને આધ્યાત્મિક ઉજવણી કરવામાં આવી હતી. પર્વ નિમિત્તે વિશેષ રીતે નારીયલથી બનાવવામાં આવેલ આકર્ષક શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ભક્તોએ શ્રદ્ધાભાવે શિવલિંગના દર્શન કરી આધ્યાત્મિક શાંતિ અને આનંદનો અનુભવ કર્યો હતો. સાથે સાથે આધ્યાત્મિક ચિત્ર પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજયોગ, આત્મજ્ઞાન અને સકારાત્મક જીવનશૈલી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રદર્શનમાં રજૂ કરાયેલ ચિત્રો અને માહિતી દ્વારા ઉપસ્થિત લોકોએ જીવનમૂલ્યો અને આધ્યાત્મિકતા અંગે મહત્વપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાણપુર બ્રહ્મકુમારીજ કેન્દ્રની સંચાલિકા નયનાબેન તથા હીનાબેન દ્વારા વિશેષ સેવાઓ આપવામાં આવી હતી. ઉપરાંત રાણપુર કેન્દ્રના ભાઈઓ અને બહેનો દ્વારા પણ ઉત્તમ સહયોગ આપવામાં આવ્યો હતો.
સમગ્ર કાર્યક્રમ ભક્તિમય અને શાંતિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો, જેને લઈ ઉપસ્થિત લોકોએ સંસ્થાના પ્રયાસોની પ્રશંસા વ્યક્ત કરી હતી.
રિપોર્ટર - અજય પરમાર રાણપુર