

લોદરાણી–નાળોદર–ગોલાગામથી વાવને જોડતો મુખ્ય માર્ગ હાલ અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી તેને માત્ર રિસરફેસિંગ કરવાની જગ્યાએ પહોળો (વાઈડનિંગ) કરવા માટે નવો ટેકનિકલ એસ્ટિમેટ તૈયાર કરવામાં આવે તેવી તીવ્ર માંગ વાવ–ધરણીધર તાલુકા સરપંચ સંગઠન દ્વારા કરવામાં આવી છે.
સરપંચ સંગઠને રજૂઆત કરતાં જણાવ્યું હતું કે ગોલાગામ ખાતે આવેલ ક્ષેત્રપાલ દાદાના મંદિરે દર વર્ષે મહા મહિનામાં લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. હાલનો માર્ગ ખૂબ સાંકડો હોવાથી હજારો વાહનોના ભારે ભારણ વચ્ચે કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાય છે, જેના કારણે યાત્રાળુઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા જાળવવી તંત્રની પ્રથમ જવાબદારી છે.
સંગઠને વધુમાં જણાવ્યું હતું કે હાલ આ માર્ગ માટે માત્ર રિસરફેસિંગ (રિપેરિંગ) મંજૂર થયું હોવાની માહિતી મળી છે, પરંતુ જ્યાં રોડનો પાયો જ પૂર અને ધોવાણથી નબળો પડી ગયો છે ત્યાં માત્ર ડામરનું પડ ચઢાવવાથી સરકારી નાણાંનો વ્યર્થ ખર્ચ થશે અને એક વર્ષમાં ફરી રોડ તૂટી જશે.
આ માર્ગ પર છેલ્લા દસ વર્ષથી કોઈ નવું નવીનીકરણ થયું નથી. રસ્તાની બંને બાજુના સાઇડ-શોલ્ડર બેસી ગયા હોવાથી રાત્રિના સમયે અથવા મેળા દરમિયાન સામસામે વાહન આવતા ગંભીર અકસ્માત થવાની પ્રબળ શક્યતા છે. “શું તંત્ર કોઈ મોટી જાનહાનીની રાહ જોઈ રહ્યું છે?” એવો પણ કડક સવાલ સરપંચ સંગઠને ઉઠાવ્યો છે.સરહદી વિસ્તારના વિકાસને ધ્યાનમાં રાખતાં રાછેણા સહિત આસપાસના ગામોમાં સીએનજી પ્લાન્ટ અને સોલાર પાર્ક જેવા મોટા પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે. આવા સંજોગોમાં આર્થિક તેમજ સામરિક દૃષ્ટિએ મજબૂત અને પહોળા રસ્તાની તાત્કાલિક જરૂરિયાત હોવાનું સંગઠને જણાવ્યું છે.
સ્પષ્ટ માંગણી સરપંચ સંગઠનની નમ્ર પરંતુ મક્કમ માંગ છે કે હાલના રિસરફેસિંગના કામને તાત્કાલિક હોલ્ડ પર રાખી, માર્ગનો ટ્રાફિક સર્વે કરવામાં આવે અને રોડને પહોળો કરવા માટેનો નવો ટેકનિકલ એસ્ટિમેટ તૈયાર કરી સરકારમાં મંજૂરી અર્થે મોકલવામાં આવે.
સંગઠને આશા વ્યક્ત કરી છે કે તંત્ર આ ગંભીર જનહિતના મુદ્દે સ્થળ મુલાકાત લઈ સત્વરે યોગ્ય નિર્ણય લેશે.
અહેવાલ: શ્રવણ સોલંકી