*"ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય અને વહીવટી સેવાઓ એક જ સ્થળે ગુણવત્તાયુક્ત રીતે મળી રહે તે સરકારની પ્રાથમિકતા છે"-કલેકટર શ્રી ગાંધીનગર*
.....
*યુવાનો વધુમાં વધુ લાઇબ્રેરીનો ઉપયોગ કરે અને વિકસિત ભારતના શ્રેષ્ઠ નાગરિકો બને તેવો આગ્રહ રાખતા કલેકટર શ્રી મેહુલ કે.દવે*
ગાંધીનગર જિલ્લા કલેક્ટરશ્રી મેહુલ કે.દવે દ્વારા આજે કલોલ તાલુકાના વડસર ગામની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ્ય સ્તરે નિર્માણ પામી રહેલી માળખાગત સુવિધાઓની ગુણવત્તા ચકાસવી અને ગ્રામજનોને મળતી સુવિધાઓ વધુ સુદ્રઢ બનાવવાનો હતો.
તદુપરાંત ગામના યુવાનો અને વિદ્યાર્થીઓ માટે તૈયાર થઈ રહેલી આધુનિક લાઈબ્રેરીના કામનું કલેક્ટરશ્રીએ નિરીક્ષણ કર્યું હતું. તેમણે પુસ્તકોના સંગ્રહ અને વાંચન માટે યોગ્ય વાતાવરણ જળવાઈ રહે તે અંગે જરૂરી સૂચનો કરવા ઉપરાંત, યુવાનો વધુમાં વધુ આ લાઇબ્રેરીનો ઉપયોગ કરે અને વિકસિત ભારતના શ્રેષ્ઠ નાગરિકો બને તેવો આગ્રહ રાખ્યો હતો.

ગ્રામજનોને ઘરઆંગણે શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે આરોગ્ય કેન્દ્રના મકાન અને ત્યાં ઉપલબ્ધ સાધન-સામગ્રીની સમીક્ષા કરતાં કલેકટર્સશ્રીએ સ્ટાફ સાથે સંવાદ કરી રસીકરણ અને અન્ય સરકારી આરોગ્ય યોજનાઓના અમલીકરણ વિશે જાણકારી મેળવી હતી.
ત્યારબાદ ગ્રામ પંચાયત ખાતે વહીવટી કામગીરીની પારદર્શિતા અને સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે કલેક્ટરશ્રીએ ગ્રામ પંચાયતની મુલાકાત લઈ રેકોર્ડની ચકાસણી કરી હતી.અને ગ્રામસભા દ્વારા નાગરિકોના પ્રશ્નોનો,મુંઝવણો તથા જરૂરી સૂચનો પણ સાંભળ્યા હતા.
વડસર મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, "ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય અને વહીવટી સેવાઓ એક જ સ્થળે ગુણવત્તાયુક્ત રીતે મળી રહે તે સરકારની પ્રાથમિકતા છે." તેમણે ચાલી રહેલા બાંધકામોમાં ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ ન કરવા અને નિર્ધારિત સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા અધિકારીઓને સુચના આપી હતી.