.jpg)
બોટાદ જિલ્લામાં આવેલ પવિત્ર યાત્રાધામ સાળંગપુર ખાતે આજે ભારતીય ક્રિકેટ જગતની જાણીતી હસ્તીઓએ દર્શન કરી ભક્તિમય માહોલ સર્જ્યો હતો. ભારતીય ક્રિકેટ ટીમના કોચ ગૌતમ ગંભીર અને ટીમના કેપ્ટન સુર્યા કુમાર યાદવ આજે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પહોંચ્યા હતા.
મંદિરમાં પહોંચતા જ બંનેએ શ્રદ્ધાપૂર્વક કષ્ટભંજન દેવ હનુમાનજી ના દર્શન કર્યા અને પૂજા-અર્ચના કરી. ખાસ કરીને તેઓ સાથે વર્લ્ડ કપ જીતની ટ્રોફી પણ લાવવામાં આવી હતી, જેને ભગવાનના ચરણોમાં અર્પણ કરી આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા. આ પ્રસંગે મંદિરમાં હાજર સંતોએ ટ્રોફીની પ્રસાદી કરાવી અને ભારતીય ટીમના ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી.
સંતોએ પ્રાર્થના કરતા જણાવ્યું હતું કે ભગવાન હનુમાનજી મહારાજ કોચ અને કેપ્ટન તેમજ તેમના પરિવાર ઉપર કૃપા વરસાવે અને આવનારા સમયમાં ભારતીય ક્રિકેટ ટીમ વધુ સફળતા હાંસલ કરે.
આ ઉપરાંત, મંદિરમાંથી પવિત્ર નાડાછડી અને ગોપાલાનંદ સ્વામી ની પવિત્ર ઈષ્ટીકા (લાકડી) બંનેને તથા તેમના પરિવારને અર્પણ કરવામાં આવી હતી. આ પવિત્ર ચિહ્નોને આશીર્વાદ સ્વરૂપે સ્વીકારી બંનેએ આનંદ વ્યક્ત કર્યો હતો.
આ સમગ્ર પ્રસંગે સાળંગપુર મંદિર પરિસરમાં ભક્તિભાવનું અનોખું દૃશ્ય સર્જાયું હતું અને મોટી સંખ્યામાં ભક્તોએ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બની આનંદ અનુભવ્યો હતો.
રિપોર્ટર અજય પરમાર રાણપુર