
રાણપુર તાલુકાના બોડીયા ગામમાં પોલીસને વધુ એક સફળતા મળી છે, જ્યાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, બાતમીના આધારે રાણપુર પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.એ. પટેલ અને પોલીસ સ્ટાફે બોડીયા ગામમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન કુલદીપભાઈ ખાચરના ઘરેથી 77 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેના કુલ મૂલ્ય આશરે ₹20,000 જેટલું હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.
પોલીસે સ્થળ પરથી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો, પરંતુ મુખ્ય આરોપી કુલદીપભાઈ ખાચર ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. હાલ પોલીસ દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ મામલે રાણપુર પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા દારૂના ગેરકાયદે વેપાર સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેના પરિણામે આવા કિસ્સાઓ બહાર આવી રહ્યા છે.
રિપોર્ટર અજય પરમાર રાણપુર