કલોલ
લોટસ સ્કૂલ નો 2026-27 વાર્ષિક ઉત્સવ “ઉમંગ” ભારત માતા ટાઉનહોલ ખાતે ભવ્ય આયોજન



કલોલ શહેરની જાણીતી અને નામાંકિત લોટસ સ્કૂલ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27નો વાર્ષિક ઉત્સવ “ઉમંગ”નો ભવ્ય કાર્યક્રમ કલોલના ભારત માતા ટાઉનહોલ ખાતે ઉત્સાહ અને ઉર્જાભર્યા માહોલમાં યોજાયો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ,
વાલીઓ તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે સમગ્ર ટાઉનહોલ ખચાખચ ભરાઈ ગયો હતો.


કાર્યક્રમની શરૂઆત મુખ્ય મહેમાન અને ટ્રસ્ટીગણના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. મુખ્ય અતિથિ તરીકે ભાવિક પબ્લિકેશનના ગૌરાંગભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
ટ્રસ્ટી મૌલિકભાઈ બારોટ, મુકેશભાઈ બારોટ તેમજ અન્ય ટ્રસ્ટીગણ અને આગેવાનો પણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું.
.jpeg)
“ઉમંગ” અંતર્ગત જુનિયર કે.જી.થી ધોરણ 9 અને ધોરણ 11 સુધીના વિદ્યાર્થીઓએ વિવિધ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. ફિલ્મી ગીતો, દેશભક્તિ ગીતો, ગ્રુપ ડાન્સ, નાટકો અને સર્જનાત્મક પ્રસ્તુતિઓ દ્વારા વિદ્યાર્થીઓએ ઉપસ્થિત જનમેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી. ખાસ કરીને “ઓપરેશન સિંદૂર” અને મહાભારત થીમ આધારિત નાટ્ય રજૂઆતને દર્શકો તરફથી ભારે પ્રશંસા મળી હતી. આ નાટકોમાં વિદ્યાર્થીઓએ અભિનય, સંવાદ અને વેશભૂષા દ્વારા જીવંત પ્રસ્તુતિ આપી કાર્યક્રમને યાદગાર બનાવી દીધો હતો.


વિદ્યાર્થીઓના ઉત્સાહભર્યા પરફોર્મન્સથી વાલીઓ ગર્વની લાગણી અનુભવી રહ્યા હતા અને પોતાના સંતાનોના પરફોર્મન્સને મોબાઇલમાં કેદ કરી તાળીઓના ગડગડાટ સાથે વધાવી રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિસ્તબદ્ધ આયોજન, સુવ્યવસ્થિત વ્યવસ્થા અને ટીમવર્કની સુંદર છાપ જોવા મળી હતી.
આ વાર્ષિકોત્સવનું સંપૂર્ણ આયોજન અને માર્ગદર્શન ટ્રસ્ટી મૌલિકભાઈ બારોટના નેતૃત્વ હેઠળ શાળાના આચાર્ય મનીષભાઈ બારોટ અને આચાર્યા સુનંદાબેન ગોર દ્વારા કરવામાં આવ્યું હતું. શિક્ષકમંડળે વિદ્યાર્થીઓને તાલીમ આપી કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન શાળાના તેજસ્વી અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું, જેના કારણે અન્ય વિદ્યાર્થીઓમાં નવી પ્રેરણા અને ઉત્સાહનું સંચાર થયું હતું.
આ રીતે “ઉમંગ” વાર્ષિકોત્સવે શૈક્ષણિક સાથે સાંસ્કૃતિક વિકાસનો સુંદર સમન્વય પ્રસ્તુત કરી ભવ્ય સફળતા હાંસલ કરી હતી.
લક્ષ ન્યુઝ – સંજય નાયક