*વન શહીદના પરિવારને ₹૫૦ લાખનું બેનિવોલન્ટ ફંડ અને વન્યપ્રાણી ઘર્ષણમાં ઈજાગ્રસ્ત વનકર્મીને ₹૨ લાખનો ચેક મુખ્યમંત્રીશ્રીના હસ્તે એનાયત થયો*
*વન મંત્રીશ્રી – વન રાજ્યમંત્રીશ્રી પણ વન શહીદોને શ્રદ્ધાંજલી આપવામાં જોડાયા*
.jpeg)
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે 'રાષ્ટ્રીય વન શહીદ દિવસ' નિમિતે વન વિભાગના અમર શહીદોને ગાંધીનગરમાં 'વન શહીદ મેમોરિયલ' ખાતે જઈને શ્રદ્ધાસુમન અર્પણ કરીને ભાવાંજલિ આપી હતી.**વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા રાજ્ય મંત્રી શ્રી પ્રવીણકુમાર માળી પણ મુખ્યમંત્રીશ્રી સાથે વન શહીદોને શ્રદ્ધાંજલી આપવામાં જોડાયા હતા*વન અને વન્યજીવોની સુરક્ષા કાજે શહીદ થયેલા ફ્રન્ટલાઈન સ્ટાફ વનરક્ષક, વનપાલ, અને પરિક્ષેત્ર વન અફસરોની શહાદતના સન્માનમાં ભારત સરકાર દ્વારા દર વર્ષે ૧૧ સપ્ટેમ્બરના દિવસને 'રાષ્ટ્રીય વન શહીદ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. વન શહીદોનું આ બલિદાન આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ બને અને નાગરિકોમાં વન તેમજ વન્યજીવો પ્રત્યે સંવેદનશીલતા અને રક્ષણની ભાવના વધુ સુદ્રઢ બને તેવા આશયથી આ દિવસની દેશ ભરમાં ઉજવણી થાય છે.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વન અને વન્યજીવોના રક્ષણ કાજે 1981થી અત્યાર સુધીમાં શહીદ થયેલા ૧૧ જેટલા વનકર્મીઓની શહાદતનું સ્મરણ કરીને તેમની ફરજ પરસ્તીને બિરદાવી હતી.
.jpeg)
તાજેતરમાં વ્યારાના પરિક્ષેત્ર વન અધિકારી શ્રી વિકાસભાઈ દેસાઈએ પોતાના જીવની પરવા કર્યા વીના ગેરકાયદેસર લાકડાની હેરફેર અટકાવીને શહીદી વહોરી હતી. તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રીએ પરિવાર જનોને વન શહીદ સ્મારક ખાતે રૂબરૂ મળીને આર્થિક સહાયરૂપે ₹૫૦ લાખનું બેનિવોલન્ટ ફંડ અર્પણ કર્યું હતું.
આ ઉપરાંત, તા. ૬ જુલાઈ ૨૦૨૬ના રોજ સિંહ સાથેના ઘર્ષણમાં ઈજાગ્રસ્ત થયેલા વનકર્મી શ્રી કાળુભાઈ બોઘાભાઈ પરમારનું વિશિષ્ટ સન્માન કરીને તેમને ₹૨ લાખની સહાયનો ચેક પણ મુખ્યમંત્રીશ્રીએ અર્પણ કર્યો હતો.
.jpeg)
આ વેળાએ ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, શહેર સંગઠન પ્રમુખ શ્રી ડૉ. આશિષભાઈ દવે, વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ શ્રી આર. સી. મીના તથા અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ડૉ. જયપાલ સિંહ, ઓલ ઇન્ડિયા ફોરેસ્ટ એસોસિયેશન દિલ્હીના ચેરમેન શ્રી તેમજ હિમાચલ, ઝારખંડ, ઓરિસ્સા અને ઉત્તરાખંડના વન વિભાગના મહાનુભાવો સહિત બહોળી સંખ્યામાં વનકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.સૌએ 2 મિનિટનું મૌન પાળીને વન શહીદોને શ્રદ્ધાંજલી આપી હતી.
