મધ્યપ્રદેશથી યુવતીનો પરિવાર છેક છત્રાલ પહોંચ્યો; યુવતીના અપહરણનો પ્રયાસ પણ નિષ્ફળ
પોલીસે ઝડપી કાર્યવાહી કરી પિતા-પુત્રને બચાવ્યા, 8 આરોપીઓની ધરપકડ
કલોલ તાલુકાના છત્રાલ ગામમાં પ્રેમલગ્નની અદાવતમાં અપહરણની ગંભીર ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મધ્યપ્રદેશથી યુવતીનો પરિવાર યુવતી અને યુવકની શોધખોળ કરતાં કરતાં છેક છત્રાલ સુધી આવી પહોંચ્યો હતો. જ્યાં યુવક તથા તેના પિતાનું અપહરણ કરી તેમને કારમાં બેસાડી લઈ જવામાં આવ્યા હતા. બીજી તરફ યુવતીનું પણ અપહરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જોકે આસપાસના લોકો સમયસર એકત્ર થઈ જતા યુવતીનો બચાવ થયો હતો.
મળતી માહિતી મુજબ, છત્રાલ ગામમાં એક દિવસ અગાઉ યુવક-યુવતીએ પ્રેમલગ્ન કર્યા બાદ અહીં આવ્યા હતા. આ લગ્નથી યુવતીના પરિવારજનો નારાજ હોવાથી તેઓ બંનેની શોધખોળ કરી રહ્યા હતા. દરમિયાન યુવતીના પરિવારના સભ્યો મધ્યપ્રદેશથી છત્રાલ આવી પહોંચ્યા હતા.
યુવતી અને યુવકની શોધખોળ દરમિયાન પરિવારજનો યુવકના પિતા શિવમ સાહુના ઘરે પહોંચ્યા હતા. ત્યારબાદ યુવક તથા તેના પિતાનું કથિત રીતે અપહરણ કરી બંનેને કારમાં બેસાડી લઈ જવામાં આવ્યા હતા. આ સાથે યુવતીને પણ સાથે લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવતા યુવતીને લઈ જવાનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો.
???? પોલીસની તાત્કાલિક કાર્યવાહી
ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ તેમજ માનવ બાતમીના આધારે તપાસ હાથ ધરી અને અપહરણ કરાયેલા પિતા-પુત્રની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવી હતી.
પોલીસ તપાસ દરમિયાન પિતા-પુત્રને મધ્યપ્રદેશ તરફ લઈ જવામાં આવી રહ્યા હોવાની માહિતી સામે આવી હતી. પોલીસે ઝડપી કાર્યવાહી કરીને બંનેને બચાવી લીધા હતા અને સમગ્ર અપહરણ પ્રકરણની કડીઓ જોડવાની કામગીરી શરૂ કરી હતી.
8 આરોપીઓ પોલીસ સકંજામાં
સમગ્ર મામલે પોલીસે કુલ 8 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા

આરોપીઓમાં:
હરિનિવાસ બ્રહ્માનંદસિંગ લોધી
બીટ્ટુ મુલાયમસિંગ લોધી
બલ્લુ સીતારામ લોધી
કમલેશ અશોક લોધી
નરેશ ધનીરામ પાલ
જગદીશ હરિનિવાસ લોધી
છોટુ મુલાયમસિંગ લોધી
બ્રિજ મોહન કરણસિંહ લોધી
નો સમાવેશ થાય છે.
પ્રેમલગ્નની અદાવતમાં યુવક અને તેના પિતાના અપહરણ તેમજ યુવતીના અપહરણના પ્રયાસની આ ઘટનાએ છત્રાલ સહિત સમગ્ર કલોલ તાલુકામાં ભારે ચર્ચા જગાવી છે. પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ હાથ ધરી વધુ વિગતો મેળવવાની તથા ઘટનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ આગળ ધપાવી છે.
લક્ષ ન્યૂઝ — કલોલ