.jpeg)
*વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત ૨૦૪૭' ના લક્ષ્યને સાકાર કરવા માટે આ ભવન એક મહત્વનું માધ્યમ બનશે-રાજ્ય મંત્રીશ્રી સંજયસિંહ મહિડા*
......
*"આ પંચાયત ભવન માત્ર એક સરકારી કચેરી નથી, પરંતુ એક જનસેવાનું મંદિર છે"-રાજ્ય મંત્રીશ્રી સંજયસિંહ મહિડા*
.......
*માત્ર આધુનિક સુવિધાઓ જ નહીં પણ, ગ્રીન બિલ્ડીંગ કન્સેપ્ટ એટલે કે, પર્યાવરણને અનુકૂળ તથા સામાન્ય નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને ભવનનું નિર્માણ કરાયું*
....

તા.૦૯ ફેબ્રુઆરીના રોજ દહેગામ ખાતે નવીન તાલુકા પંચાયત કચેરીનો લોકાર્પણ સમારોહ, ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી સંજયસિંહ મહિડાની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયો હતો. મંત્રીશ્રીએ નવનિર્મિત ભવનને જનતા માટે ખુલ્લું મૂક્તા આનંદ વ્યક્ત કર્યો હતો.
દહેગામ તાલુકાના વિકાસમાં નવીનતા ઉમેરતું આ ભવન કુલ રૂ. ૦૩ કરોડ ૧૩ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. માત્ર ૧૯ માસના ટૂંકા ગાળામાં પૂર્ણ થયેલું આ ભવન આધુનિક સુવિધાઓથી સજ્જ છે કે, જે ગ્રીન બિલ્ડીંગ કન્સેપ્ટ એટલે કે, પર્યાવરણને અનુકૂળ તથા સામાન્ય નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને કરાયેલું નિર્માણ છે.

આ લોકાર્પણ પ્રસંગે મંત્રીશ્રી સંજયસિંહ મહિડાએ જણાવ્યું હતું કે, "આ પંચાયત ભવન માત્ર એક સરકારી કચેરી નથી, પરંતુ એક જનસેવાનું મંદિર છે." તેમણે કર્મચારીઓને અનુરોધ કર્યો હતો કે, અહીં આવનાર પ્રત્યેક નાગરિકની કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થાય તે જ આ ભવનની સાચી સાર્થકતા છે. વધુમાં, તેમણે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત ૨૦૪૭' ના લક્ષ્યને સાકાર કરવા માટે આ ભવન એક મહત્વનું માધ્યમ બનશે તેવું આહવાન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે,આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે દહેગામ તાલુકાના ૧૦ ગામોના ૬૦ લોકોને નિશુલ્ક પ્લોટ પણ ફાળવવામાં આવ્યા છે.
.jpeg)
આ પ્રસંગે દહેગામના ધારાસભ્યશ્રી બલરાજસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શિલ્પાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી અશોકભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી કિરીટસિંહ બિહોલા, જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, વિવિધ ગામોના સરપંચો તેમજ તાલુકા વિકાસ અધિકારીશ્રી પંકજસિંહ મહિડા સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.