જૂની ભીલડીમાં ગણપતિ દાદાની ભવ્ય શોભાયાત્રા યોજાઈ
શ્રી રામદેવ યુવક મંડળ દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન : ડીજેના તાલે યુવાનો અને યુવતીઓ ઝૂમી ઉઠ્યાં
ભીલડી: જૂની ભીલડી શ્રી રામદેવ યુવક મંડળ દ્વારા ગણપતિ મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે સોમવારના રોજ ગણપતિ દાદાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
જૂની ભીલડી ખાતે આવેલ સુપ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરેથી ગણપતિ દાદાની શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા જૂની ભીલડીથી ભીલડીયાજી જૈન દેરાસર, નવી ભીલડી માર્કેટ યાર્ડ નાળા થઈ ભીલડીના રાજમાર્ગો પરથી પસાર થઈ હતી.
શોભાયાત્રા દરમિયાન ડીજેના તાલે યુવાનો અને યુવતીઓ ઝૂમી ઉઠ્યાં હતાં. સમગ્ર માર્ગ પર ગણપતિ દાદાના જયઘોષ સાથે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.
શોભાયાત્રા પૂર્ણ થયા બાદ ગણપતિ દાદાની રામદેવ પીરના મંદિરે સ્થાપના કરવામાં આવી હતી. આગામી દસ દિવસ સુધી ગણપતિ દાદાની આરાધના કરવામાં આવશે અને ત્યારબાદ અંતિમ દિવસે ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવશે.
અહેવાલ : વિક્રમસિંહ રાઠોડ ભીલડી