*ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૬ – અંબાજી
.jpeg)
*"નિઃસ્વાર્થ સેવા એ જ મા અંબાની સાચી ભક્તિ": મહામેળામાં ફરજ બજાવતા સફાઈ અને એસ.ટી. કર્મીઓની કામગીરીની પ્રશંસા*

*માઈભક્તોની સુખાકારી માટે દિવસ-રાત પરિશ્રમ કરનારા સફાઈ અને એસ.ટી. કર્મીઓ સૌ માટે પ્રેરણાસ્ત્રોત : એસ.પી. શ્રી પ્રશાંત શુંબે*

વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી પૂનમના મહામેળામાં લાખો માઈભક્તોની સેવા માટે દિવસ-રાત કાર્યરત સફાઈ કર્મીઓ તથા એસ.ટી. વિભાગના કર્મચારીઓનું બનાસકાંઠા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત શુંબે દ્વારા સફાઈ કર્મીઓ અને એસ.ટી. કર્મચારીઓને ગુલાબનું ફૂલ તથા માતાજીનો ખેસ પહેરાવી, માતાજીની પ્રસાદી આપી તેમની સેવા અને ફરજ પ્રત્યેની નિષ્ઠાને બિરદાવવામાં આવી હતી.
ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. આવા સમયે મેળા વિસ્તારમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સતત કાર્યરત સફાઈ કર્મીઓ તેમજ લાખો ભક્તોની સુરક્ષિત અને સુવ્યવસ્થિત અવરજવર સુનિશ્ચિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવનારા એસ.ટી. વિભાગના કર્મચારીઓની કામગીરીની જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી.
.jpeg)
જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત શુંબેની આગેવાની હેઠળ યોજાયેલા સન્માન કાર્યક્રમમાં સફાઈ કર્મીઓ અને એસ.ટી. કર્મચારીઓને ગુલાબનું ફૂલ તથા માતાજીનો ખેસ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. મેળા દરમિયાન ફરજ પ્રત્યેની તેમની નિષ્ઠા, પરિશ્રમ અને અડગ સેવા ભાવને બિરદાવતાં તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
.jpeg)
આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત શુંબેએ જણાવ્યું હતું કે, અંબાજી મહામેળામાં દર વર્ષે મોટી સંખ્યામાં માઈભક્તો માતાજીના દર્શન માટે આવે છે. આવા વિશાળ મેળા દરમિયાન સ્વચ્છતા જાળવવી અને ભક્તોની સુવિધા તથા સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરવી એ ખૂબ જ મહત્વપૂર્ણ જવાબદારી છે. સફાઈ કર્મીઓ અને એસ.ટી. વિભાગના કર્મચારીઓ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી આ સમગ્ર વ્યવસ્થામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.
પોલીસ અધિક્ષકશ્રી વધુમાં જણાવ્યું હતું કે, માઈભક્તોની સુખાકારી માટે દિવસ-રાત પરિશ્રમ કરતા આ કર્મીઓની સેવા ખરેખર પ્રશંસનીય છે. તેમના અવિરત પ્રયત્નોથી લાખો શ્રદ્ધાળુઓ નિરાંતે અને સુવ્યવસ્થિત રીતે માતાજીના દર્શન કરી શકે છે. તેમની સેવા અને ફરજ પ્રત્યેની નિષ્ઠા સૌ માટે પ્રેરણાસ્ત્રોત છે. આ પ્રકારની નિઃસ્વાર્થ સેવા એ પણ મા અંબાની ભક્તિનું જ એક સ્વરૂપ છે.