સઈજના સ્વામીનારાયણ ગુરુકુળ ખાતે ‘સેવાના રંગ રાષ્ટ્રને સંગ’ અંતર્ગત ગાંધીનગર જિલ્લા રંગોળી સ્પર્ધા યોજાઈ
કલોલ તાલુકાના સઈજ ગામે સેવા, સંકલ્પ અને રાષ્ટ્રનિર્માણનો સંદેશ આપતી રંગોળીઓએ આકર્ષણ જમાવ્યું
કલોલ: દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જનસેવા અને રાષ્ટ્રસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર ગુજરાતમાં આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં ‘સેવાના રંગ રાષ્ટ્રને સંગ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત ગાંધીનગર જિલ્લા કક્ષાની રંગોળી સ્પર્ધા કલોલ તાલુકાના સઈજ ગામે આવેલા સ્વામીનારાયણ ગુરુકુળ સંકુલ ખાતે યોજાઈ હતી.

કાર્યક્રમ દરમિયાન વિવિધ સ્થળોથી આવેલા સ્પર્ધકોએ દેશભક્તિ, સ્વચ્છતા, સેવા, સંકલ્પ, રાષ્ટ્રનિર્માણ તથા વિકસિત ભારતના સંકલ્પ સહિતના વિવિધ વિષયોને રંગોળીના માધ્યમથી સુંદર રીતે રજૂ કર્યા હતા. રંગબેરંગી રંગોળીઓ દ્વારા સામાજિક એકતા, રાષ્ટ્રપ્રેમ અને જનસેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સ્પર્ધામાં સર્જનાત્મકતા અને કલાત્મકતાનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો.
આ પ્રસંગે પૂર્વ મંત્રી તથા સેવા સંકલ્પ અભિયાનના ગુજરાત પ્રદેશ સંયોજક શ્રી બ્રિજેશભાઈ મેરજા, પ્રદેશ મંત્રી શ્રીમતી પ્રીતિબેન પટેલ અને શ્રીમતી આશાબેન નકુમ, તેમજ કલોલના ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ જિલ્લા મહામંત્રી ભુલાભાઈ દેસાઈ, જિલ્લા ઉપાધ્યક્ષ ભરતભાઈ સોલંકી, હર્ષદભાઈ પટેલ, રાજેન્દ્રકુમાર પટેલ, તાલુકાના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, આગેવાનો તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાઓએ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
વક્તાઓ દ્વારા સેવા સંકલ્પ અભિયાનના હેતુઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સમાજના દરેક વર્ગને સાથે લઈને સેવા, સંકલ્પ અને રાષ્ટ્રનિર્માણના કાર્યને વધુ વેગ આપવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. રંગોળી સ્પર્ધા જેવા સર્જનાત્મક કાર્યક્રમોના માધ્યમથી યુવાનો અને મહિલાઓ સહિત સમાજના વિવિધ વર્ગોમાં રાષ્ટ્રપ્રેમ તથા સેવાભાવની ભાવના વધુ મજબૂત બને તેવો આશય વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સઈજ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં સમગ્ર વાતાવરણ દેશભક્તિ અને સેવાભાવથી રંગાઈ ગયું હતું. ‘સેવાના રંગ રાષ્ટ્રને સંગ’ના માધ્યમથી સેવા સંકલ્પના વિચારને જનજન સુધી પહોંચાડવાનો સંકલ્પ વધુ મજબૂત બન્યો હતો.
સેવાના રંગ રાષ્ટ્રને સંગ ગાંધીનગર જિલ્લા ઇન્ચાર્જ – તાજબેન સી. મીર ઉપસ્થિત રહ્યા હતા.

લક્ષ ન્યુઝ - કલોલ