કલોલ વિધાનસભા વિસ્તારમાં વિકાસકાર્યોને નવી ગતિ
ધારાસભ્ય બકાજી ઠાકોરની ઉપસ્થિતિમાં ₹7.79 કરોડના વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત
કલોલ વિધાનસભા મતવિસ્તારમાં વિવિધ માળખાકીય સુવિધાઓના વિકાસને વેગ આપવા માટે આજે પિયજ, મોટી ભોયણ, રણછોડપુરા, રાંચરડા અને નાંદોલી સહિતના વિસ્તારોમાં કુલ ₹7.79 કરોડના વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.
કલોલ વિધાનસભાના ધારાસભ્ય બકાજી ઠાકોરની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમોમાં ગ્રામ્ય વિસ્તારોમાં કોમ્યુનિટી હોલ, CC રોડ તેમજ એપ્રોચ રોડ સહિતના વિવિધ વિકાસકાર્યોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
પિયજ ખાતે ₹85 લાખના ખર્ચે કોમ્યુનિટી હોલનું નિર્માણ થનાર છે, જેના ખાતમુહૂર્ત પ્રસંગે સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

મોટી ભોયણ ગામે ₹25 લાખના ખર્ચે બસ સ્ટેશનથી પંચાયત ઘર થઈ પોલીસ સ્ટેશન સુધી CC રોડનું નિર્માણ કરવામાં આવનાર છે.
રણછોડપુરા ખાતે ₹108.50 લાખના ખર્ચે એપ્રોચ રોડના વિકાસકાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જ્યારે રાંચરડા-રણછોડપુરા રોડ માટે ₹3 કરોડના ખર્ચે થનાર વિકાસકાર્યનો પણ પ્રારંભ કરવામાં આવ્યો.
આ ઉપરાંત નાંદોલી ખાતે ₹2.60 કરોડના ખર્ચે એપ્રોચ રોડનું નિર્માણ થનાર છે, જેના કામનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ વિકાસકાર્યો પૂર્ણ થયા બાદ સંબંધિત ગામોના નાગરિકોને આવાગમન, રસ્તા અને જાહેર સુવિધાઓમાં વધુ સુગમતા મળવાની અપેક્ષા છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ અને જાહેર માળખાકીય સુવિધાઓને મજબૂત બનાવવાના હેતુથી આ કામોને મહત્વપૂર્ણ ગણાવવામાં આવી રહ્યા છે.
આ પ્રસંગે ધારાસભ્ય બકાજી ઠાકોરે વિકાસકાર્યો સમયસર અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ થાય તે માટે સતત પ્રયત્નો કરવાની વાત કરી હતી.

કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ, ગાંધીનગર જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન રશ્મિજી ઠાકોર, ગાંધીનગર જિલ્લા સંગઠન મહામંત્રી ભૂલાભાઈ દેસાઈ, શેરિસા જિલ્લા સદસ્ય લાલાભાઈ પટેલ, કલોલ તાલુકા પંચાયત ઉપપ્રમુખ નટુજી ઠાકોર, ગાંધીનગર જિલ્લા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ ભરતજી રાયચંદજી ઠાકોર, પિયજ તાલુકા પંચાયત સદસ્ય અમરતજી ઠાકોર, નાંદોલી તાલુકા સદસ્ય રાજુજી ઠાકોર, કલોલ તાલુકા ઉપપ્રમુખ ઉમેશજી ઠાકોર, પૂર્વ ગાંધીનગર જિલ્લા મહામંત્રી રમેશજી ઠાકોર, કલોલ તાલુકાના પૂર્વ મહામંત્રી જયેશજી ઠાકોર, પૂર્વ તાલુકા સદસ્ય પિયજ મેલાજી ઠાકોર, પૂર્વ તાલુકા સદસ્ય મોટી ભોયણ પંકજજી ઠાકોર, મોટી ભોયણના સામાજિક આગેવાનો સોમાજી ઠાકોર અને રણજીતજી ઠાકોર સહિત વિવિધ ગામોના સરપંચશ્રીઓ, સ્થાનિક આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
લક્ષ ન્યુઝ - કલોલ