
પોલીસની ‘તેરા તુજકો અર્પણ’ પહેલ હેઠળ રૂ. 7.44 લાખથી વધુ કિંમતના 40 મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા
કલોલ ના સઈજ ખાતે નવી પોલીસ ચોકીના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. નવી પોલીસ ચોકી શરૂ થતાં સઈજ સહિત આસપાસના ગામોના લોકોને પોલીસની સેવાઓ વધુ સરળતાથી અને ઝડપી મળી રહે તેવી વ્યવસ્થા ઉભી થઈ છે. આ નવી પોલીસ ચોકીથી આસપાસના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસને વધુ સરળતા રહેશે.
નવી પોલીસ ચોકીનું લોકાર્પણ જિલ્લા પોલીસ વડા વાસન શેટી રવિ તેજા તથા કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોરના હસ્તે કરવામાં આવ્યું હતું. લોકાર્પણ પ્રસંગે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન પોલીસ વિભાગ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસની કામગીરી દરમિયાન શોધી કાઢવામાં આવેલા ચોરીમાં ગયેલા અંદાજે 40 મોબાઈલ ફોન, જેની કુલ કિંમત આશરે રૂ. 7,44,900 જેટલી થાય છે, તે મોબાઈલ તેમના મૂળ માલિકોને મહેમાનોના હસ્તે પરત કરવામાં આવ્યા હતા. લાંબા સમય બાદ પોતાના ખોવાયેલા કે ચોરી થયેલા મોબાઈલ પરત મળતા મોબાઈલ ધારકોએ પોલીસ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા પોલીસ વડાએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં સાયબર ક્રાઇમથી સાવચેત રહેવા લોકોને અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અજાણ્યા વ્યક્તિ સાથે મોબાઈલ પર મળતા ફોન, મેસેજ કે લિંક બાબતે સાવચેતી રાખવી જરૂરી છે. ખાસ કરીને OTP, બેંક એકાઉન્ટની વિગતો, ATM/ડેબિટ-ક્રેડિટ કાર્ડની માહિતી, પાસવર્ડ કે અન્ય વ્યક્તિગત બેંકિંગ માહિતી કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે શેર ન કરવી જોઈએ. સાયબર ઠગાઈથી બચવા માટે જાગૃતિ અને સાવચેતી જ સૌથી મહત્વપૂર્ણ છે તેમ તેમણે જણાવ્યું હતું.
કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોરે પોતાના સંબોધનમાં પોલીસ વિભાગની કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે પોલીસ કર્મચારીઓનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે સઈજ ગામ ખાતે નવી પોલીસ ચોકી શરૂ થવાથી સઈજ સહિત આસપાસના ગામોના લોકોને પોલીસની મદદ વધુ ઝડપથી મળી શકશે. વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તેમજ લોકોની સુરક્ષા અને ફરિયાદોના ઝડપી નિવારણમાં નવી પોલીસ ચોકી મહત્વપૂર્ણ સાબિત થશે તેમ તેમણે જણાવ્યું હતું.
કાર્યક્રમમાં કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોર, જિલ્લા પોલીસ વડા, કલોલ તાલુકા પોલીસ મથકના પીઆઈ જે.જે. ગઢવી, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
નવી પોલીસ ચોકીના લોકાર્પણ સાથે સઈજ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પોલીસની હાજરી વધુ મજબૂત બની છે. સાથે જ ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત ચોરીમાં ગયેલા મોબાઈલ મૂળ માલિકોને પરત મળતા પોલીસ અને પ્રજાની વચ્ચેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો હોવાનું પણ જોવા મળ્યું હતું.

લક્ષ ન્યુઝ - કલોલ