કલોલ : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનમાં રાષ્ટ્રસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘વિકસિત ભારત @2047’ના સંકલ્પને જનજન સુધી પહોંચાડવાના હેતુથી કલોલ શહેરમાં વિવિધ રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે કલોલ સ્થિત શેઠ કે.જી.એમ. ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થિનીઓ માટે ચિત્રકલા અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
.jpg)
આ કાર્યક્રમમાં કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થિનીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ ચિત્રકૃતિઓ નિહાળી હતી તેમજ વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થિનીઓને સાંભળી તેમની પ્રતિભા અને રજૂઆતની પ્રશંસા કરી હતી.
ચિત્રકલા સ્પર્ધા દરમિયાન વિદ્યાર્થિનીઓએ ‘વિકસિત ભારત @2047’ના વિવિધ પાસાઓને પોતાની કલ્પનાશક્તિ અને સર્જનાત્મકતા દ્વારા કાગળ પર રંગો સાથે જીવંત કર્યા હતા. શિક્ષણ, ટેકનોલોજી, સ્વચ્છતા, આત્મનિર્ભરતા, પર્યાવરણ સંરક્ષણ, મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્ર વિકાસ જેવા વિવિધ વિષયોને ચિત્રોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા હતા.
બીજી તરફ યોજાયેલી વક્તૃત્વ સ્પર્ધામાં વિદ્યાર્થિનીઓએ આત્મવિશ્વાસપૂર્વક પોતાના વિચારો રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓએ વિકસિત ભારતના નિર્માણમાં યુવાનોની ભૂમિકા, શિક્ષણનું મહત્વ, નવી ટેકનોલોજી, દેશની પ્રગતિ તેમજ નાગરિકોની જવાબદારી જેવા મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય બકાજી ઠાકોરે વિદ્યાર્થિનીઓ સાથે સંવાદ કરી તેમની કૃતિઓ અને વક્તૃત્વ રજૂઆતને પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં પણ આગળ વધવા અને રાષ્ટ્રના વિકાસમાં પોતાની ભૂમિકા ભજવવા માટે પ્રેરણા આપી હતી.
આ પ્રકારની સ્પર્ધાઓના આયોજનથી વિદ્યાર્થિનીઓને પોતાની પ્રતિભા રજૂ કરવા માટે યોગ્ય મંચ મળ્યો હતો. સાથે જ ચિત્રકલા દ્વારા સર્જનાત્મકતા અને વક્તૃત્વ દ્વારા આત્મવિશ્વાસ તથા અભિવ્યક્તિ કૌશલ્યને પ્રોત્સાહન મળ્યું હતું.
‘વિકસિત ભારત @2047’ના સંકલ્પને ધ્યાનમાં રાખીને યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થિનીઓમાં દેશના ભવિષ્ય અને રાષ્ટ્રનિર્માણ પ્રત્યે જાગૃતિ તથા જવાબદારીની ભાવના વિકસે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે ભાગ લેનાર તમામ વિદ્યાર્થિનીઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી.
લક્ષ ન્યુઝ - કલોલ