ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ એન્ટરટેઇનમેન્ટ ઈન્ડિયા ધર્મ દર્શન સ્પોર્ટ્સ વર્લ્ડ યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન વિડીયો
ટૉપ ન્યૂઝ
હોમ / મારું શહેર / બનાસકાંઠા

ભીલડી જંકશન વિસ્તારમાં ખેતીની જમીન ઉપર ડ્રોનથી સર્વે| થતાં ખેડૂતો ચિંતામાં

ભીલડી જંકશન વિસ્તારમાં ખેતીની જમીન ઉપર ડ્રોનથી સર્વે થતાં ખેડૂતો ચિંતામાં

 

સર્વે કયા પ્રોજેક્ટ અંતર્ગત થઈ રહ્યો છે તે જાણવા આવતીકાલે રેલવે અધિકારી, મામલતદાર સહિત તંત્રને આવેદનપત્ર અપાશે

 

ભીલડી: ભીલડી જંકશન આસપાસ રેલવે લાઇનને અડીને આવેલી ખેતીની જમીનો ઉપર ડ્રોન મારફતે સર્વેની કામગીરી થતાં ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ખાસ કરીને સર્વે કયા પ્રોજેક્ટ અંતર્ગત થઈ રહ્યો છે, તેનો હેતુ શું છે અને ખેડૂતોની જમીન ઉપર કોઈ અસર થવાની છે કે કેમ તે અંગે ખેડૂતોમાં અનેક સવાલો ઉઠ્યા છે.

 

ભીલડી જંકશન નજીક આવેલા જૂના નેસડા, સોયલા અને ઘરનાળ સહિતના ગામોની રેલવેની બાજુની ખેતીની જમીનોમાં ડ્રોનથી સર્વે કરવામાં આવતો હોવાનું ખેડૂતોના ધ્યાને આવ્યું હતું. આ કામગીરી અંગે અગાઉથી પૂરતી જાણકારી ન મળતાં ખેડૂતોમાં પોતાની જમીન અંગે ચિંતા ઊભી થઈ હતી.

 

આ બાબતે આજે રવિવારે આસપાસના ખેડૂતો ભીલડી રેલવે સ્ટેશન વિસ્તારમાં એકત્ર થયા હતા અને સમગ્ર મામલે ચર્ચા કરી હતી. ખેડૂતોનું કહેવું છે કે પોતાની જમીન ઉપર કોઈપણ પ્રકારનો સર્વે કે માપણી કરવામાં આવી રહી હોય ત્યારે તેના હેતુ અને સંભવિત અસર અંગે સ્પષ્ટ માહિતી મળવી જરૂરી છે.

 

આવતીકાલે તંત્રને આવેદનપત્ર

 

આજે રવિવાર હોવાથી સરકારી કચેરીઓમાં રજા હોવાથી આવતીકાલે ખેડૂતો દ્વારા ભીલડી રેલવે સ્ટેશનના સેક્શન અધિકારી, મામલતદાર તથા લાગતા-વળગતા તંત્રને આવેદનપત્ર આપવામાં આવશે. આવેદનપત્રમાં સર્વેનો હેતુ, કયા પ્રોજેક્ટ માટે સર્વે થઈ રહ્યો છે, કયા વિસ્તારની જમીન સર્વે હેઠળ આવે છે તથા ખેડૂતોની જમીન ઉપર કોઈ અસર થવાની છે કે કેમ તે અંગે સત્તાવાર માહિતી માંગવામાં આવશે.

 

અત્રે ઉલ્લેખનીય છે કે પાલનપુર–સામખિયાળી 248 કિ.મી. રેલવે રૂટના ચૌથીકરણ (Quadrupling) પ્રોજેક્ટને લઈને 2026માં સત્તાવાર પ્રક્રિયા આગળ વધી છે. જોકે ભીલડી વિસ્તારમાં થઈ રહેલો હાલનો ડ્રોન સર્વે આ જ પ્રોજેક્ટ અંતર્ગત છે કે અન્ય કોઈ રેલવે કામગીરી માટે કરવામાં આવી રહ્યો છે તેની સત્તાવાર પુષ્ટિ હજુ થવાની બાકી છે.

 

તંત્ર તરફથી સત્તાવાર માહિતી મળ્યા બાદ જ સર્વેનો ચોક્કસ હેતુ અને ખેડૂતોની જમીન ઉપર તેની સંભવિત અસર અંગે સ્થિતિ સ્પષ્ટ થશે.

 

*અહેવાલ વિક્રમસિંહ રાઠોડ ભીલડી*

VIKRAMJI THAKOR
News Creator
based in 91
Followers
1
Total News Views
1,617