કલોલ શહેરના બોરીસણા પટેલપરા વિસ્તારમાં આવેલા તળાવની સફાઈ કામગીરીને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ સફાઈ માટે નિયુક્ત કરાયેલા કોન્ટ્રાક્ટર દ્વારા પૂરતા મશીનો, જરૂરી સાધનો અને મજૂરો માટેની સલામતીની વ્યવસ્થા વિના જ કામગીરી શરૂ કરવામાં આવી છે. આક્ષેપોને પગલે સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ કલોલના અંબિકાનગર નજીક આવેલા ઓઈલના ગોડાઉનમાં ભીષણ આગની ઘટના બની હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આગ દરમિયાન ઓઈલ અને પાણીનું મિશ્રણ વરસાદી ગટર લાઇન મારફતે બોરીસણા પટેલપરા સ્થિત તળાવમાં પહોંચી જતાં તળાવનું પાણી પ્રદૂષિત બન્યું હતું. ત્યારબાદ સ્થાનિકોએ વિરોધ નોંધાવતાં કલોલ નગરપાલિકા દ્વારા તળાવની સફાઈ માટે અમદાવાદના એક કોન્ટ્રાક્ટરને કામગીરી સોંપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
.jpeg)
હાલમાં ચાલી રહેલી સફાઈ કામગીરી દરમિયાન સ્થળ પર માત્ર મર્યાદિત સાધનો સાથે કામ કરવામાં આવી રહ્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. સાથે જ આશરે 8થી 10 જેટલા મજૂરોને ગમબૂટ, ગ્લોવ્ઝ, માસ્ક, સેફ્ટી જૅકેટ અને અન્ય જરૂરી સુરક્ષા સાધનો વિના જ જોખમી પરિસ્થિતિમાં કામ કરાવવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ જો તળાવમાં ઓઈલ અથવા અન્ય પ્રદૂષિત પદાર્થોનું પ્રમાણ હોય તો મજૂરોના આરોગ્ય પર ગંભીર અસર પડી શકે છે. આવા સંજોગોમાં શ્રમિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવી જરૂરી હોવા છતાં નિયમોનું પાલન થતું ન હોવાનું તેઓ કહી રહ્યા છે.
આ મામલે સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યો છે કે જો સફાઈ દરમિયાન કોઈ અકસ્માત સર્જાય અથવા કોઈ મજૂરને ઇજા પહોંચે કે જાનહાનિ થાય તો તેની જવાબદારી કોણ લેશે? કલોલ નગરપાલિકા કે કામગીરી સંભાળતો કોન્ટ્રાક્ટર? જવાબદાર તંત્ર દ્વારા કામગીરીનું યોગ્ય નિરીક્ષણ કરવામાં આવે છે કે નહીં તે મુદ્દે પણ ચર્ચા શરૂ થઈ છે.સ્થાનિકોએ માંગ કરી છે કે તાત્કાલિક સ્થળનું નિરીક્ષણ કરવામાં આવે, મજૂરોને તમામ જરૂરી સુરક્ષા સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવે, કામગીરી ટેન્ડરની શરતો અને સુરક્ષા ધોરણો મુજબ કરવામાં આવે તેમજ સમગ્ર સફાઈ પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવે.
હાલ આક્ષેપોને લઈને કલોલ નગરપાલિકા અથવા સંબંધિત કોન્ટ્રાક્ટરની સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. જો આ અંગે તંત્રનો કોઈ જવાબ અથવા સ્પષ્ટતા પ્રાપ્ત થશે તો તેને પણ પ્રાધાન્ય સાથે પ્રકાશિત કરવામાં આવશે.
સંજય નાયક
લક્ષ ન્યૂઝ