જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાયપુર ગામ નજીક નર્મદા મુખ્ય કેનાલની ક્ષતિગ્રસ્ત લાઇનિંગનું સિમેન્ટ કોંક્રીટ દ્વારા સફળતાપૂર્વક સમારકામ સંપન્ન
નર્મદા મુખ્ય કેનાલ મારફતે સિંચાઈ અને પીવાનું પાણી નિરંતર અને સુરક્ષિત રીતે વહી રહે તે હેતુથી તંત્ર દ્વારા સતત મોનિટરિંગ અને સમારકામની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત વરસાદ દરમિયાન રાયપુર ગામ નજીકથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ ક્ષતિગ્રસ્ત થયેલ હતી જે લાઇનિંગ ભાગનું સિમેન્ટ કોંક્રીટ દ્વારા ત્વરિત સમારકામ કરી તેને પૂર્વવત કરવામાં આવ્યું છે.
કેનાલની લાઇનિંગમાં નુકસાન થવાની જાણ થતાં જ સંબંધિત ઈજનેરો અને ટેકનિકલ ટીમ દ્વારા સ્થળ મુલાકાત લઈ તાત્કાલિક સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કેનાલનું મજબૂતીકરણ સુનિશ્ચિત કરવા માટે આધુનિક પદ્ધતિથી સિમેન્ટ કોંક્રીટનો ઉપયોગ કરીને લાઇનિંગનું રિપેરિંગ કરવામાં આવ્યું છે, જેથી ભવિષ્યમાં વધુ નુકસાનની શક્યતા નિવારી શકાય અને આ સમારકામથી કેનાલમાંથી છેવાડાના વિસ્તારો, ખેડૂતો અને નાગરિકો સુધી પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં અને વિના અવરોધે પહોંચી શકશે.
તંત્ર દ્વારા તમામ કેનાલ નેટવર્ક પર સતત નજર રાખવામાં આવી રહી છે,જેથી કોઈપણ સ્થળે આવી ક્ષતિ જણાય તો તેનું સત્વરે નિવારણ કરી શકાય.
