મહિલા PSI વતી 10 હજારની લાંચ લેતા ASI ઝડપાયો:માંજલપુર પોલીસ સ્ટેશન નજીક ACBની સફળ ટ્રેપ, ફરિયાદીને હેરાન નહીં કરવા બદલ લાંચ માગી હતી
વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશન સાથે સંકળાયેલા ભ્રષ્ટાચારના કેસમાં એન્ટી કરપ્શન બ્યુરોને મોટી સફળતા મળી છે. વિશ્વામિત્રી પોલીસ ચોકીના PSI મલ્લિકાબેન ખીમજીભાઈ પરમાર વતી માંજલપુર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડના ASI જયકિશન સોમાજી ગામેતીને રૂ.10 હજારની લાંચ સ્વીકારવાના ગુનામાં ACBએ શનિવારે ટ્રેપ ગોઠવી રંગેહાથ ઝડપી પાડ્યો છે.
ગુનાની તપાસમાં હેરાનગતિ નહીં કરવા બદલ લાંચ માગી હતી
ACBના જણાવ્યા મુજબ, જાગૃત નાગરિકે ફરિયાદ કરી હતી કે તેમના વિરુદ્ધ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન PSI મલ્લિકાબેન પરમારે તેમને હેરાનગતિ ન કરવા તેમજ જામીનની કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવા માટે શરૂઆતમાં રૂ.25 હજારની લાંચ માંગી હતી. બાદમાં રકઝક થતાં રૂ.10 હજાર લેવાનું નક્કી થયું હતું.
માંજલપુર પોલીસ સ્ટેશન નજીક ACBએ છટકું ગોઠવી ASIને ઝડપી પાડ્યો
આરોપી PSIએ લાંચની રકમ ASI જયકિશન ગામેતીને આપવાનું જણાવ્યુ હતું. ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એમ. તલાટીના માર્ગદર્શન હેઠળ ટ્રેપ ગોઠવવામાં આવી હતી. ટ્રેપ દરમિયાન ફરિયાદીએ માંજલપુર પોલીસ સ્ટેશનની બાજુમાં ભાવના ઝેરોક્ષ સામે મુખ્ય માર્ગ પર ઉભેલી ASI જયકિશન ગામેતીની મારુતિ સ્વિફ્ટ કારમાં ડેશબોર્ડ પર રૂ.10 હજાર મૂક્યા હતા. લાંચની રકમ સ્વીકારતા જ ACBની ટીમે બંને આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટર: આતિશસિંહ ઠાકોર