.jpg)
.jpg)
.jpg)
રાણપુર શહેર ખાતે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને અનુલક્ષીને ભાજપ દ્વારા વિકાસ સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય બનાવવાના સંકલ્પ સાથે યોજાયેલી આ સભામાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નાગરિકો ઉમટ્યા હતા.
સભામાં પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ પંડ્યાએ સંબોધન કરતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ચાલી રહેલી ડબલ એન્જિન સરકારના વિકાસકાર્યોની વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે મા નર્મદા યોજનાના માધ્યમથી રાજ્યના 10,954 ગામો અને 191 શહેરોમાં લગભગ 19 લાખ હેકટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા ઉપલબ્ધ થતા ખેડૂતોને મળતા ફાયદાઓ અંગે પ્રકાશ પાડ્યો હતો. સાથે જ વીજળી અને પાણી જેવી મૂળભૂત સુવિધાઓમાં થયેલા સુધારાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
મહિલા સશક્તિકરણ મુદ્દે તેમણે જણાવ્યું કે સરકાર સતત મહિલાઓના કલ્યાણ માટે કાર્યરત છે. પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના દ્વારા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને આરોગ્ય સુરક્ષા મળી રહી છે, જેથી અકસ્મિક બીમારીઓમાં આર્થિક ભાર ઓછો થાય છે. ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અંદાજે ચાર કરોડ જેટલી મહિલાઓને મકાન ફાળવી તેમને સન્માન અને સુરક્ષા આપવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે હાલમાં રાજ્યમાં ડબલ એન્જિન સરકાર કાર્યરત છે અને સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં તાલુકા અને જિલ્લા સ્તરે ભાજપને બહુમતી અપાશે તો ત્રીપલ એન્જિન સરકાર બનશે, જેના પરિણામે વિકાસકાર્યોને વધુ વેગ મળશે અને પ્રજાના સુખાકારી માટે નવી ઊંચાઈઓ સર થશે.
આ પ્રસંગે બોટાદ જિલ્લા પ્રમુખ મયુરભાઈ પટેલ, ધંધુકા વિધાનસભાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી, તાલુકા અને શહેર પ્રમુખો, પૂર્વ હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.
રિપોર્ટર અજય પરમાર રાણપુર બોટાદ