



રાણપુર, તા. 22 એપ્રિલ 2026 (બુધવાર)
રાણપુર ખાતે GIANTS GROUP રાણપુર અને GCS Hospital ના સંયુક્ત ઉપક્રમે એ. ડી. શેઠ હોસ્પિટલમાં એક સેવાભાવી ફ્રી મેડિકલ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ આરોગ્યલક્ષી કેમ્પમાં ફિઝિશિયન, કેન્સર, હાડકા અને મણકાના રોગો તેમજ યુરોલોજી વિભાગના નિષ્ણાત ડોક્ટરો હાજર રહ્યા હતા. ડોક્ટરો દ્વારા ઉપચારાર્થીઓને નિઃશુલ્ક તપાસ, યોગ્ય માર્ગદર્શન અને સારવાર આપવામાં આવી હતી. સાથે જ જરૂરિયાતમંદ દર્દીઓને મફત દવાઓ પણ આપવામાં આવી હતી.
કેમ્પમાં રાણપુર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. જેમાં કુલ 120 લાભાર્થીઓએ આરોગ્યસેવાનો લાભ લીધો હતો. જેમાં 48 પુરુષ અને 72 મહિલાઓનો સમાવેશ થાય છે.
વિભાગવાર જોવામાં આવે તો હાડકા અને મણકાના રોગોમાં 64 દર્દીઓએ સારવાર લીધી હતી, ફિઝિશિયન વિભાગમાં 40 દર્દીઓ, કેન્સર વિભાગમાં 6 દર્દીઓ અને યુરોલોજી વિભાગમાં 10 દર્દીઓએ લાભ મેળવ્યો હતો.
આ સમગ્ર કેમ્પ દરમિયાન ડોક્ટરો અને સ્ટાફે સેવાભાવથી કામગીરી બજાવી હતી, જેના કારણે દર્દીઓમાં સંતોષની લાગણી જોવા મળી હતી. કેમ્પ માત્ર આરોગ્ય સેવા પૂરતો મર્યાદિત ન રહી, પરંતુ સમાજ પ્રત્યેની જવાબદારી અને માનવસેવાનો ઉત્તમ ઉદાહરણ સાબિત થયો હતો.
અંતમાં જાયન્ટ્સ ગ્રુપના પ્રમુખ કનકબેન સાપરાએ GCS Hospital ના તમામ નિષ્ણાત ડોક્ટરો, સ્ટાફ, એ. ડી. શેઠ હોસ્પિટલના ટ્રસ્ટીઓ, ટેક્સપીન ગ્રુપ, લલિતભાઈ સોની તેમજ જાયન્ટ્સ ગ્રુપના પદાધિકારીઓ, ડાયરેક્ટરો અને સભ્યોનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે આવા સેવાકાર્યો સમાજ માટે અત્યંત ઉપયોગી અને પ્રેરણાદાયી હોવાનું જણાવ્યું હતું.
રિપોર્ટર અજય પરમાર રાણપુર બોટાદ