
બોટાદ જિલ્લાના રાણપુર શહેરના પરા વિસ્તારમાં આવેલ જય અંબે મિત્ર મંડળ દ્વારા હોળી-ધુળેટીનો પાવન પર્વ ભારે ઉત્સાહ અને ધાર્મિક ભાવના સાથે ઉજવવામાં આવ્યો હતો.
હોળીકા દહનના પાવન પ્રસંગે મંડળના સભ્યો તેમજ સ્થાનિક રહિશોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. પરંપરાગત વિધિ પ્રમાણે હવન-પૂજન કરીને હોળીકા દહન કરવામાં આવ્યું હતું. સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો અને “હોળી હૈ” ના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
આગામી દિવસે ધુળેટી નિમિત્તે યુવાઓ, બાળકો અને મહિલાઓએ એકબીજાને રંગ-ગુલાલ લગાવી આનંદ વ્યક્ત કર્યો હતો. ડીજેના તાલે યુવાઓએ નૃત્ય કરીને તહેવારની મજા માણી હતી. કાર્યક્રમ દરમિયાન શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તે માટે મંડળના કાર્યકર્તાઓ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.
જય અંબે મિત્ર મંડળના આગેવાનો જણાવ્યા મુજબ, દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌહાર્દ અને એકતાના સંદેશ સાથે હોળી-ધુળેટી ઉજવવામાં આવી છે. અંતે સર્વે માટે પ્રસાદ અને ઠંડાઈની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
આ રીતે પરા વિસ્તારમાં હોળી-ધુળેટીનો પર્વ આનંદ, એકતા અને ભાઈચારાના સંદેશ સાથે ઉજવાયો હતો.
રિપોર્ટર અજય પરમાર રાણપુર