મહિલા અને બાળ વિકાસ વિભાગની નવીનીકરણ ઝુંબેશને વેગ

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના કલોલ-૨ ઘટક વિસ્તારમાં રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી કેન્દ્રોના નવીનીકરણ માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
1 જાન્યુઆરીથી 16 ફેબ્રુઆરી દરમિયાન ચાલેલી આ અભિયાન હેઠળ કુલ 110 કાર્યરત આંગણવાડી કેન્દ્રોમાંથી 78 કેન્દ્રોમાં સમારકામ, રંગકામ અને સ્વચ્છતા સહિતની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.
.jpeg)
આ ઝુંબેશનો મુખ્ય હેતુ આંગણવાડી કેન્દ્રોને વધુ સુદઢ, સુરક્ષિત અને આધુનિક બનાવવાનો હતો, જેથી નાના બાળકો માટે આકર્ષક અને અનુકૂળ શૈક્ષણિક વાતાવરણ ઊભું થાય. સમારકામ દરમિયાન કેન્દ્રોના અંદર-બહાર રંગરોગાન,
નાના-મોટા મરામત કામો, પીવાનું પાણી, ટોયલેટ સુવિધા અને સ્વચ્છતા સુધારવા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું.
બાળકોના સર્વાંગી વિકાસ માટે મજબૂત પગલું
આંગણવાડી કેન્દ્રો સંકલિત બાળ વિકાસ યોજનાનો આધાર સ્તંભ છે. અહીં બાળકોને પોષણ, પૂર્વ-પ્રાથમિક શિક્ષણ, રસીકરણ, આરોગ્ય તપાસ અને પોષણ સહાય જેવી મહત્વપૂર્ણ સેવાઓ આપવામાં આવે છે.
ભૌતિક માળખાકીય સુવિધાઓ મજબૂત બનતા આ સેવાઓ વધુ અસરકારક રીતે પહોંચાડવામાં મદદ મળશે.
સરકારી ગ્રાન્ટ ઉપરાંત લોકભાગીદારી અને CSR ફંડના સહયોગથી આ કામગીરી પૂર્ણ કરવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કામગીરી
ગાંધીનગર જિલ્લા પ્રોગ્રામ અધિકારી શ્રી આરતીબેન ઠાકર તથા કલોલ ઘટક-૨ના CDPO શ્રી ઉર્વશીબેન પટેલના માર્ગદર્શન હેઠળ, મુખ્ય સેવિકા ગાયત્રીબેન પ્રજાપતિ (સેજો સઈજ)
અને મનીષાબેન ઉપાધ્યાય (સેજો રાંચરડા) સહિતની ટીમે નિર્ધારિત સમયમર્યાદામાં આ કામગીરી ઝુંબેશ રૂપે પૂર્ણ કરી છે.

સ્થાનિક સ્તરે આ પહેલને સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે અને વાલીઓમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે.
લક્ષ ન્યુઝ – સંજય નાયક